ભારતીય ઉર્દૂ સાહિત્યના મહાન સર્જક : મન્ટો

 

ભારતીય ઉર્દૂ સાહિત્‍યના મહાન સર્જક સઆદત હસન મન્‍ટોનો જન્‍મ ૧૯રર માં અંબ્રાલા (જિ.લુધિયાણા) માં થયો હતો, ૧૯પપ માં લાહોર (પાકિસ્‍તાન) માં મૃત્‍યુ થયું હતું.
મન્‍ટો ઉર્દૂ સાહિત્‍યના પ્રખ્‍યાત સર્જક. એમનો સાહિત્‍યકાળ એ ઉર્દૂ સાહિત્‍યના ઈતિહાસનો સુવર્ણકાળ તો નહીં પણ અત્‍યંત મહત્‍વનો કાળ રહયો. અમૃતસર અને અલીગઢમાં શિક્ષણ મેળવ્‍યું. ૧૯૩૯માં મન્‍ટો લગ્નગ્રંથિથી જોડાયા. મન્‍ટો અમૃતસર, લાહોર, દિલ્‍હી તથા મુંબઈમાં ઘણો સમય સુધી રહયા પરંતુ હિંદુસ્‍તાન પાકિસ્‍તાનના ભાગલા થયા પછી તેઓ પાકિસ્‍તાનમાં જઈ વસ્‍યા.
સઆદત હસન મન્‍ટોએ ર૦૦ આસપાસ વર્તાઓ, ૭પ થી વધુ લેખો, સોએટ નાટકો, દસેક ચરિત્રચિત્રણો ઉપરાંત નવલકથાનું સર્જન કર્યું છે. મન્‍ટોએ પોતાની સાહિત્‍યિક કારર્કિદીની શરૂઆત રશિયન, ફ્રેન્‍ચ અને અંગ્રેજી ભાષાની ઉત્તમ સાહિત્‍ય -કૃતિઓના અનુવાદ થી કરી હતી. અનુવાદક તરીકે ખાસ્‍સી ખ્‍યાતિ પામ્‍યા પછી તેઓ નિજી સર્જનક્ષેત્રે એમની વાર્તા ઓ થકી ખૂબ જાણીતા બન્‍યા, નાટકો પણ લોકોનું ઘ્‍યાન ખેંચી શકે એવા લખ્‍યા તો તેમની વાર્તાઓ પરથી કેટલીક હિંદી ફિલ્‍મોનું સર્જન બંને મુલ્‍કમાં થયું. એમની વીસેક જેટલી વાર્તાઓ પર સરકારી કેસ પણ બંને મુલ્‍કોમાં ચાલ્‍યા પણ મન્‍ટો પૂરેપૂરી નિષ્ઠા અને માનવીય નિસ્‍બતથી નિર્ભીકપણે પોતાની કલમ ચલાવતા રહયા અને વિભાજન સમયની દારૂણ પરિસ્‍થિતિ, પ્રશ્‍નો અને માનવીય વેદનાને વાચા આપતા રહયા.
મન્‍ટો ભારત-પાકિસ્‍તાનના ભાગલા પછી યભી થયેલ તંગ કોમવાદી સ્‍થિતિથી બેચેન હતા. બંને પક્ષે સામાન્‍ય માનવી જ ભોગ બન્‍યો હતો એનો અજંપો અને એ સમયના કડવા સત્‍યને એમણે કલમ દ્રારા ધારદાર વાણીમાં રજૂ કર્યું. મન્‍ટો ઉત્તમ વાર્તાકાર એટલે બની શકયા કે મન્‍ટોએ કોઈ પણ સત્‍યને ઢાંકપિછોડો કર્યા વગર પૂરેપૂરી તટસ્‍થતાથી નિરૂપવાનો પ્રયત્‍ન કર્યો. મન્‍ટોની વાર્તાઓમાં એમણે કથાવસ્‍તુને સચોટતાથી આલેખી. સવિશેષ સમાજના કહેવાતા ઉપેક્ષિત પાત્રોની વાતો પૂરી અનુકંપાથી તેમણે નિરૂપી. અત્‍યંત સંવેદનશીલ મન્‍ટોએ સમાજના નિમ્‍ન સ્‍તરના પાત્રોની ઉણપો, ખુબીઓ, ખાનદાની, અવનતિ, શિથિલતા વગેરેનું સચોટ દર્શન કરાવ્‍યું.
મન્‍ટો વીસ રૂપિયામાં એક વાર્તા લખતા. તેઓ કહેતા, ‘‘ તમે મને શબ્‍દ કે વાકય આપો ને હું તમને વાર્તા લખી આપું.''
મન્‍ટોએ જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા સૌથી પ્રિય સંતાનનું મૃત્‍યુ, ક્ષયરોગ, તંગ આર્થિક પરિસ્‍થિતિએ એમને પીવાની લત પાડી. ભારતથી પાકિસ્‍તાન સ્‍થળાંતર કરવું પડયું એ મન્‍ટોના જીવનની સૌથી વધુ દુખદ ક્ષણ હતી. કહેવાતા ઉજળા સમાજે મન્‍ટોને એમના લખાણો બદલ ખૂબ વગોવ્‍યા તેથી મન્‍ટો અંતિમ સમયમાં લગભગ પાગલ જેવી અવસ્‍થામાં જીવ્‍યા.
મન્‍ટો પોતાના સમયમાં જોવા મળેલી ધર્મકારણ, રાજકારણ અને સમાજકારણની ડહોળાયેલી સ્‍થિતિથી સતત અજંપો અનુભવતા. ‘પીડા' એમનો સતત અનુભવ રહયો. હિંદુસ્‍તાન પાકિસ્‍તાનના ભાગલાની ગંભીર ઘટનાથી કારમો આઘાત અનુભવતા મન્‍ટોએ એની પ્રતિક્રિયારૂપે સાહિત્‍યનું, સવિશેષ વાર્તાનું સમર્જન કર્યું. મન્‍ટો જ નહીં, તત્‍કાલીન સાહિત્‍યમાં એ સમયે ચાલેલી હિજરત, કત્‍લેઆમ, લૂંટફાટ, સ્‍ત્રીઓ પરના અત્‍યાચારોને વાચા મળેલી. પરન્‍તુ મન્‍ટો એ સૌમાં એની સચોટ આગવી શૈલી તથા લોહીઝાણ સાંપ્રત વાસ્‍તવિકતાને પૂરેપૂરી તટસ્‍થતાથી આલેખવામાં મહ્‌દઅંશે સફળ રહયા હતા. આ સમગ્ર સ્‍થિતિના મૂળમાં રહેલી માનવીય સમસ્‍યાઓ અને લાચારીએ, માનવમનની સંકુલતા અને એને પારખવાની ઊંડી કોઠાસૂઝ ધરાવતા મન્‍ટોએ તારતાર થઈ ગયેલા અદના આદમીના જીવનની વેદનાને તીવ્રતાથી અનુભવી વેધક વાચા આપી. ખાસ કરી ને કોઈ પણ યુદ્ધ કે કોમવાદથી ભડકેલા તોફાનોથી સૌથી વધુ સહન કરવાનું સ્‍ત્રીઓને ભાગે આવે છે. એનો કરુણ અંજામ થાય છે, જેની વાત મન્‍ટોએ મનવીય ભૂમિકાએ રહીને -સાહિત્‍યિક સ્‍તર જાળવીને કરી છે.
મન્‍ટોએ ‘આતિશઆરા', ‘મન્‍ટોકે અફસાને', ‘ધુઆં', ‘જનાઝે',  ‘સિપાહ હાશિયે', ‘ખાલી બોટલેં', ‘ખાલી ડિબ્‍બે', ‘બાદશાહત કા ખાતિમા', બગૈર ઈજજત',   ‘હતક', ‘કાલી સલવાર', ‘બૂ', ‘ખોલ દો', ‘ટોબા ટેક સિંઘ',  ‘શિકારી ઔરતે', ‘ઠંડા ગોશ્‍ત', ‘ગુલાબ કે ફૂલ', વગેરે જેવા વાર્તાસંગ્રહો આપ્‍યા.  ‘બગૈર ઉન્‍વાન કે' જેની નવલકથા અને‘તીન ઔરતે', ‘ઈસ મઝધાર મેં', ‘મન્‍ટો કે ડ્રામે' વગેરે જેવા નાટયસંગ્રહો ઉપરાંત ‘ઈસ્‍મત ચુગતાઈ ' જેવી જાણીતી જીવનકથાનું સર્જન કર્યું. એમાંથી ‘કાલી સલવાર', ‘ધૂઆં', ‘બૂ', ‘ઠંડા ગોશ્‍ત', ‘ઉપર નીચે ઔર દરમ્‍યાન' જેવી એમની કૃતિઓ અત્‍યંત વિવાદાસ્‍પદ બની. બીભત્‍સતા, અશ્‍લીલતાના મુદે્‌ આ વાર્તાઓ પર ખટલા પણ ચાલ્‍યા.
મન્‍ટોનું સમગ્ર સાહિત્‍ય મુખ્‍યત્‍વે ત્રણ વિષયો ઉપર કેન્‍દ્રિત થયું છેં. ભારત-પાકિસ્‍તાનના ભાગલા, જાતીયજીવન અને વેશ્‍યાજીવન. આ ત્રણેય વિષય પર મન્‍ટોએ પોતાની આગવી શૈલી અને માનવીય અભિગમથી દંભ કે ઢાંકપિછોડો રાખ્‍યા વગર સર્જન કર્યું. ભાગલા સમયે જોવા મળેલી માણસની શર્મનાક હેવાનિયતને તેઓ પૂરી અનુકંપાથી આલેખી શકયા. વેશ્‍યાઓના જીવનની મજબૂરી અને વેશ્‍યામાં જીવતી સ્‍ત્રીની વેદનાને એમણે બખૂબી વાચા આપી. જાતીય જીવન અને આવેગોનું વર્ણન મન્‍ટોએ છોછ રાખ્‍યા વગર કર્યું. મન્‍ટો જીવનના કડવા અને નગ્ન સત્‍યને આલેખવામાં પાછી પાની કરતા નથી. ભાવકને હચમચાવી નાખતી એમની શૈલીની તાકાત જબરદસ્‍ત છે. મન્‍ટો ભંગુર જીવનની બેવફાઈ અને દુખના અસીમ પ્રદેશને કલમથી કાલવતા રહયા. જીવન પ્રત્‍યેનું એમનું દર્શન નિભ્રાન્‍ત અને નિર્મમ હતું. તરછોડાયેલા અને ઉપેક્ષિત પાત્રોના જીવનની ઝૂંટવાઈ ગયેલી સુખની ક્ષણો અને ઝંખવાઈ ગયેલા જીવનને, એમના અસ્‍તિત્‍વની હાડમારીને, અભાવને તેઓ ‘શબ્‍દ' રૂપ આપતા રહયા. આ બધું ફેશનપરક શૈલીથી નહીં પણ નિજી અનિવાર્યતામાંથી ઉપજી આવ્‍યું. દર્દનું આલેખન કરી પોતાના દર્દને જાણે ઘૂંટતા રક્ષા, કાપતા રહયા. તેઓ કહેતા, ‘‘ જો હિંદુ-મુસ્‍લિમ હુલ્‍લડમાં કોઈ મારું માથું ફોડશે તો મારા લોહીનું ટીપેટીપું રોશે. હું કલાકાર છું. આલતુફાલતુ જખમ મને પસંદ નથી.'' અને ભાગલાનો, હિજરતનો જખમ તો કેવો ઊંડો હતો ....! એ જખમની અસહય પીડાને મન્‍ટો અપૂર્વ કલાત્‍મકતાથી પોતાના સર્જનમાં વાચા આપે છે. અને તેથી જ મન્‍ટોએ કહેલું, ‘‘ જમાનાના જે દોરમાંથી આપણે અત્‍યારે પસાર થઈ રહયા છીએ એનાથી જો તમે બેખબર હો તો મારી વાર્તાઓ વાંચો, જો તમે આ વાર્તાઓને સહન ના કરી શકો તો માનજો કે આ જમાનો જ નાકાબિલે બર્દાશ્‍ત છે.'' મન્‍ટો પર અશ્‍લીલતાના નામે કેસ થયા ત્‍યારે મન્‍ટોએ કહેલું, ‘‘હું સભ્‍યતા-સંસ્‍કૃતિ અને સમાજનાં કપડાં શું ખાક ઉતારવાનો ! એ તો પહેલેથી જ નગ્ન છે. હું એને કપડાં પહેરાવવાની કોશિષ પણ કરતો નથી, કારણ કે એ મારું કામ નથી, દરજીઓનું છે. લોકો મને કાળી કલમવાળો કહે છે પણ હું કાળા પાટિયા પર કાળા ચૉકથી
નથી લખતો. સફેદ ચૉક વાપરું છું. જેથ કાળા પાટિયાની કાળાશ વધુ સ્‍પષ્‍ટ દેખાય.''     એથી જ કદાચ મન્‍ટોની વાર્તાઓ વિભાજન વખતે જોવા મળેલા પાશવીય અત્‍યાચારોનો જાણે કે ‘માનવીય દસ્‍તાવેજ' ગણવામાં આવે છે. ભાગલા પછી લોકતંત્ર-લોકશાહી અમલમાં આવી પણ લોકશાહી એટલે ટોળાશાહી. ધર્મ, સંપ્રદાય, સરકારી તંત્ર, રાજકારણ, નેતાઓ, સમાજ-જ્ઞાતિ બધે જ ટોળાશાહીની શરૂઆત થઈ ને એમાંથી ‘કોમન મેન' ની સતત ઉપેક્ષા થતી રહી. ‘ટોળા' ઓ દ્વારા લોકોનું શોષણ થતું રહયું. સાંપ્રત પરિસ્‍થિતિની પણ આવી જ તાસીર છે ને ? આવા ‘ટોળા' વચ્‍ચે પોતાપણુ ગુમાવી દે તો જીવી જવાય અને ન ગુમાવે તો મન્‍ટો જેવા સર્જકનું સર્જન થાય. સામાજિક વાસ્‍તવનું અને એના નગ્ન સત્‍યનું ઉન્‍મુકત આલેખન મન્‍ટો કરે છે.
મન્‍ટોની લેખન શૈલી આક્રોશપૂર્ણ છે.શોષિતોની પીડાને સમસંવેદનથી આવેગપૂર્ણ ભાષામાં એ વાચા આપે છે. અમાનવીય-પાશવીય પ્રવૃત્તિઓ પ્રત્‍યેનો વિદ્રોહ એની કલમમાંથી પ્રગટે છે. અપમાન અને ઉપેક્ષાના ઘંૂટડા સતત પીતા જઈ એમણે એમની વાર્તા ઓમાં તીખાશપૂર્ણ કડવી શૈલીનું આલેખન કર્યું. મન્‍ટો એથી જ ઘણા લોકપ્રિય પણ બન્‍યા. વાર્તા કળાની ઘણી નવી પ્રયુકિતઓને મન્‍ટોએ અજમાવી. મન્‍ટોની આગવી સર્જનકલા એટલી અદ્વિતીય હતી કે એનો મુકાબલો કોઈ સર્જન કરી શકે. મન્‍ટોએ ખુદ પોતાની કબર પર લખવા માટે આ પ્રમાણે લખી રાખેલું. ‘‘અહીં સઆદત - હસન - મન્‍ટો દફન થયેલ છે. એની સાથે વાર્તાકળાની બધી યુકિત - પ્રયુકિત પણ દફન થયેલી છે. આજે પણ એ કબરમાં પડયો વિચારી રહયો છેકે એ પોતે મોટો સર્જક છે કે પછી ખુદા !''
આ ઉકિતઓ જ મન્‍ટોની આગવી સર્જકતાનો બોલતો પુરાવો છે.
સઆદત હસન મન્‍ટોના જન્‍મશતાબ્‍દી વર્ષમાં મન્‍ટોને એમનું સાહિત્‍ય વાંચી શ્રદ્ધાંજલિ અર્પીએ. વધુ નહીં તો મન્‍ટોની ‘ટોબા ટેક સિંહ' વાર્તા વાંચવાથી મન્‍ટોની મહાનતા અને ભાગલા સમયની પીડાને આપણે સચોટતાથી જાણી શકીશું.!
શ્રી આશ્‍વત્‍થ ભટ્ટ કે જેઓ એન.એસ.ડી. દિલ્‍હીના વિદ્યાર્થી છે. તેઓએ મન્‍ટો વિષે ‘ એક મુલાકાત મન્‍ટોસે ' નામનું એક પાત્રિય નાટક સમગ્ર વિશ્‍વમાં ફરીને ભજવ્‍યું છે. નાટક બેમિસાલ છે. મન્‍ટોની મહત્‍વની કૃતિઓ અને એમના ચરિત્ર આધારિત આ નાટકમાં ખુદ અશ્‍વત્‍થએ મન્‍ટોનું પાત્ર બખૂબી ભજવેલ છે. નાટક દરમ્‍યાન મન્‍ટોનું પાત્ર જીવંત બની યઠે છે. અશ્‍વત્‍થ અપીલ કરતાં કહે છે કે મન્‍ટો વિષે અભિપ્રાય બાંધતાં પહેલાં મન્‍ટોનું સાહિત્‍ય વાંચી જવું. જવાબ મળી જશે. મંન્‍ટોનું વ્‍યકિતત્‍વ અને સર્જકત્‍વ બખૂબી પામી શકાશે.

 

પ્રો. દક્ષા દિનેશ ભાવસાર

000000000

***