ઈંદોર (મધ્યપ્રદેશ) દૂરદર્શન પ્રોગ્રામ ઑફિસર,
કવિ, વાર્તાકાર, ચિત્રકાર, શ્રી પ્રભુ જોશી સાથે એક મુલાકાત

 

મધ્યપ્રદેશના સાહિત્ય વિશે કંઈક કહો?
સાહિત્યસ્તર પર કવિતા વિશેષ લખાય છે. સારી. વિશ્વસ્તરની. મહદ્અંશે વ્યંગ પણ મધ્ય પ્રદેશના સાહિત્યમાં વિશેષ જોવા મળશે.
કેવા પ્રકારની થીમ આલેખવી આપને વિશેષ ગમે?
૭૦ની સાલમાં ગામડેથી આવ્યો. ગરીબી હટાવોની ચળવળ ચાલી રહી હતી. જે વધતી જતી હતી. હરિત ક્રાંતિનો સમય પણ શરૂ થઈ ગયો હતો. ટેકનોલોજી દરેક ચીજમાં દેખાવા લાગી હતી. લોકો ટ્રેકટર લઈને રોજગાર કરવા નીકળવા માંડ્યા. માર્ક્સવાદ જે માટે લડે છે તે વર્ગ – વર્ગ વચ્ચેનો સંવાદ. હવે તો પૂંજીવાદે પણ બેંક લોન આપવા માંડી. ધીમે ધીમે માર્ક્સવાદ પૂંજીવાદમાં બદલતો લાગ્યો. ગામડેથી શહેર આવી રહેલા લોકો જે એડજેસ્ટ થવા મથે છે. નગરસભ્યતા વચ્ચે પોતાને જે રીતે ગોઠવે છે તે મનનો સંઘર્ષ આલેખવો ગમે.
સાહિત્ય તરફ વિશેષ રુચિ કેવી રીતે જન્મી?
હું મૂળે ઈલેક્ટ્રોનિક જગતનો માણસ છું. બધા જ એક ચોક્કસ ઈમેજ  લઈને આવતા હતાં. ધારોકે આજનો વિદ્યાર્થી અમુક સાહિત્યકારોને પુષ્કળ વાંચ્યા પછી એની અસર લઈને સાહિત્ય લખે ત્યારે પ્રશ્ન થાય કે નવું શું? પણ જેમ કે મુક્તિબોધ અલગ જ શિસ્ત સાથે આવ્યા. મરાઠી ભૂમિમાંથી આવ્યા. પણ હિંદીમાં વિશેષ લખ્યું. સારિકામાં છપાયેલી દરેક વાર્તા જુઓ. ગુજરાત એ માલવીબોલીથી વધુ નજીક છે. પાત્રોનું વિચારવું ગુજરાતી લાગે.
બદલાતા સમય સંદર્ભે આપનું શું કહેવું છે?
રાજકારણે દરેક ક્ષેત્રમાં પગપેસારો કર્યો છે. ભાષાનું મરવું એ દેશનું મરવું છે. ક્યાંક ક્યાંક છાપાંમાં વિદેશી પૂંજી કામે લગાડાય છે. રાજકીય ડિઝાઈન પણ બદલાય છે. ચૂંટણીમાં કોણ હારે કે કોણ જીતે એ પણ જાણે છાપાં જ નક્કી કરશે! આમ ન બને એ માટે નક્કર કામ થવું જોઈએ. ભારતમાં સાડી ૩પ થી ૪૦ હજારનો બિઝનેસ કરે છે. એ સામે પેપ્સી કુલ મળીને ૩પ કરોડનો બિઝનેસ કરે છે. વિદેશી પૂંજીવાદીઓ વિચારે છે કે લોકો બે પેપ્સી ઓછી પીશે તો વાંધો નહીં પણ બે જિન્સ ઓછા પહેરશે તો મુશ્કેલી થશે. જાણે સાડી એ દેશી કે લજ્જાશીલ વસ્તુ હોય!
બે ઉદાહરણ આપું .
દૂરદર્શનના એક પ્રોગ્રામ માટે અમેરિકા રહેતા મારા મિત્રની દીકરી એંકરિંગ માટે આવી. મેં કહ્યું કે એમ.ટી.વી. પર આવે છે તે રીતે નહીં પણ સાડીના પરિધાનમાં સાવ સહજતાથી નમસ્કાર કહી શરૂ કરવાનું છે. પહેલા તો તે ડઘાઈ જ ગઈ. પ્રોગ્રામ આપ્યો પણ જતાં જતાં મને કહે; ઓ અંકલ! પ્લીઝ તમે કોઈને કહેશો નહીં. પપ્પાને તો બિલકુલ નહીં. પછી એ શું વિચારશે કે હું કેવી થઈ ગઈ છું!?
એવો જ બીજો દાખલો કહું. હું સાવ આદિવાસી વિસ્તારમાં ગયો ત્યાં એક સ્ત્રીએ અમુક આંતરવસ્ત્ર કપડાં ઉપર પહેર્યા હતા. અમે પૂછ્યું; તમે આ કેવા પહેરવેશમાં ફરો છો તે ખબર છે?  તે સ્ત્રી બોલી; ટી.વી. પર આવતી વસ્તુ અમે પણ પહેરીએ છીએ તે દેખાય ને? એટલે. જ્યાં વિચાર પહોંચવો જોઈએ ત્યાં વસ્તું પહોંચી રહી છે.
મેં મારા વૃદ્ધ માને કહ્યું કે હમણાંની તું ટી.વી. કેમ નથી જોતી?તારો સમય કેવી રીતે પસાર થાય છે? એ એટલી ભણેલ-ગણેલ નથી છતાં તેણે જે જવાબ આપ્યો તે વિચારવાલાયક છે. તેણે કહ્યું; શું જોઉં? બાલ, ચાલ, ખાલ સિવાય અંદર આવે છે શું?
વાત સાવ સાચી છે. આપણે વસ્તુને વાપરીને વેડફી નાંખીએ છીએ. એમાંથી આપણે શું પેદા કરી શકીએ છીએ? નથી નવી પૂંજી બનતી, નથી નવો રોજગાર! આજે ટી.વી. પર જે કંઈ બતાવાઈ રહ્યું છે તે સપરિવાર જોઈ શકીએ છીએ ખરા? આપણે જે રીતે આધુનિક બનવા જઈ રહ્યા છીએ તે માર્ગ યોગ્ય છે ખરો? જાતિયતાને પારદર્શક બનાવાનો અર્થ આઝાદી નથી. અત્યારે દેશને મંગળ પાંડે કે ગાંધીજીની જરૂર છે. વૈચારિકરૂપે સમૃદ્ધ પ્રદેશોમાં ગુજરાત તથા બંગાળનું નામ તરત લઈ શકાય. આજે આ પ્રકારની સમૃદ્ધિની ખાસ અનિવાર્યતા વર્તાય છે. જાણે હવે તો બર્બરતા પણ વેચી રહ્યા છે લોકો.
સમય એવો બદલાયો છે. તમે નહીં માનો, ઈંદોરમાં એક સમયે ૧૪ કૉટન મિલ  હતી. મને એ દૃશ્ય જોતા ગોર્કીની મા પ્રકરણના વર્ણનમાં આવતું રુસનું ચિત્ર સાંભરતું. આજે પ્રત્યેક ક્ષેત્રમાં વૈશ્વિકીકરણ થવા માંડ્યું છે. હું જ્યારે ૭૦ની સાલમાં બી.એસ.સી.માં હતો ત્યારેય બેકારી તો હતી જ પણ આજે વીસ હજારગણા બેરોજગારો વધી ગયા છે. સામે પક્ષે વિદ્યાર્થી ટપોરીફેસકલ્ચર છવાઈ ગયું છે. મને થાય કે સત્ય માટે સાચી રીતે આંદોલન થવું જોઈએ.
સર્જન પ્રક્રિયા વિશે કંઈક કહો.
ખાસ કંઈ નહીં. મને સર્જન તથા ભાવનમાં મજા પડે છે. રાત્રે દસથી બે વાગ્યા સુધી ચિત્રો દોરું છું, વાચું છું, લખું છું. મારે ત્યાં સાડા ત્રણ લાખ પુસ્તકોની લાઇબ્રેરી છે. વિચારોની દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણવું-માણવું ગમે છે.

આપણે ત્યાં પશ્ચિમમાંથી જે સાહિત્યિક વાદો આવ્યા તે કેટલા ઉચિત તથા અનિવાર્ય હતા? આપ શું માનો છો?
આ પ્રશ્ન ઘણો રસપ્રદ છે. સાથે લાંબી ચર્ચા પણ માંગી લે તેમ છે. ટૂંકમાં કહું તો આંદોલન સાહિત્ય નથી. ગતિ આપનાર તો સમાજ તથા જીવન છે પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આવા વાદ તથા આંદોલનો જ કેટલીક ઉત્તમ પ્રતિભાઓ આપી જાય છે. અજ્ઞેય તથા મુક્તિબોધ આવા આંદોલનરૂપે જ મળ્યાં છે. ખરેખર તો આપણને ઉત્સવોની નહીં પણ વિચારદાયક આવા આંદોલનોની જરૂર છે. પ્રગતિશીલ આંદોલને ભાષાને મહત્વ આપ્યું પણ તે કામ અસ્તિત્વવાદે કર્યું. જેમાંથી સમકાલીન ભાષામાં ધર્મ – અર્થ – દર્શનનો નવો સંદર્ભ આપનાર રજનીશ પેદા થયા. ભાષા – વાણીને ઈશ્વર કહેવાય છે. જેનાથી મોટા મોટા યુદ્ધો કેવળ ટેબલ પર જ અટકી ગયા છે. નીલ આર્મસ્ટ્રોંગ પાસે વધુ સારી ભાષા હોત તો ચાંદ કે તે કરતા આપણી પાસે વધુ સારો ચાંદ હોત! એ કામ ભર્તહરિ કે પતંજલિએ કર્યું છે. જોકે ઊડિયા, ઉર્દૂ, તમિલ કે બંગાળમાં થયું છે એ નોંધવું રહ્યું.  આપણે ત્યાં સમસ્યા એ કે જૂનું હજી વિદાય થયું નથી કે નવું આવ્યું નથી. સાંસ્કૃતિક સંકોચ શરમનું એક કારણ બની ગયો છે. એક સમય એવો પણ આવશે કે બાળક પોતે જ પોતાના કપડાં ખરીદશે.
આપ આધુનિકતાવાદી છો કે પરંપરાવાદી છો?
હકીકતમાં આધુનિકતાને પૂર્ણ રીતે કોઈ સમજી શક્યું નથી. એટલે વધુ ચર્ચા નહીં કરું. પણ મારા મતે રસેલ પહેલા આધુનિક હતા. આજે પીઝાહટનું કલ્ચર જોઈ શકાય છે. એક સમય હતો જ્યારે જન્મદિવસે માના હાથની બનાવેલી વાની માટે આતુરતા જોવા મળતી. આજે હૉટલ ભેગા થવામાં જ મોભો રહેલ છે એમ મનાય છે.
આજના સમયમાં આ પ્રકારના બદલાવ કેટલે અંશે અનિવાર્ય છે?
યસ, યસ... યૂ આર રાઇટ! આપે ખૂબ જ સરસ વાત કરી. હું આ વિષય પર લેખ લખવાનું વિચારી જ રહ્યો છું. થોડા દિવસો પહેલા હું આશા ભોંસલેને મળ્યો હતો. એમણે ખૂબ સરસ વાત કરી. એક સમય એવો હતો કે જ્યારે રેકોર્ડિંગની વ્યસ્તતા પુષ્કળ હતી. એક શિફ્ટ પૂરી થાય અને બીજી શરૂ થાય તેની વચ્ચે હું જલ્દી જલ્દી ઘેર આવી રોટી પકાવી જતી. પણ ઘણી વાર બળી જતી. જ્યારે એમ થતું ત્યારે હું બજારમાંથી તૈયાર વસ્તુઓ લઈ આવતી અને મૂકી દેતી. પરંતુ હું આવીને જોતી કે વસ્તુ એમને એમ જ પડી ગયો અને સંતાનોની પેલી બળેલી રોટી જ ખાતા હોય! મૈં સ્વાદ કી તરહ જિંદા રહતી હૂઁ...!!!

 

મુલાકાત – ડૉ. પન્ના ત્રિવેદી,
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત


000000000

***