આસ્વાદ-સમીક્ષાલેખ

‘આગવા અસ્તિત્વની ઓળખ આપતા કાવ્ય- ‘ઉપદેશ’ ’

આજે પ્રકાશની ઝડપે વિકસી રહેલા યુગે આપણું જીવન જાણે બદલી નાખ્યું છે. ગઈકાલ સુધી લાજની બહાર ન નીકળતી નારી આજે પ્રગતિશીલ વિશ્વમાં પગલા ભરવા માંડી છે.આજની નારી દરેક ક્ષેત્રે પોતાની કુશળતા સાબિત કરતી‚ પુરુષ સાથે કદમ થી કદમ મિલાવી આગળ ધપી રહી છે.કાયદાએ એને ઉડવાને પાંખ આપી છે . બીજી વાસ્તવિકતા એ પણ કે પ્રાચીન સમયમાં પૂજનીય મનાતી આ પંખીણી સદીઓ સુધી સમાજના બંધનો રૂપી પાંજરામાં પુરાયેલી રહી હોવાથી એ પોતે પાંજરાની બહારના અફાટ આકાશ તરફ ઉડવાની હોંશ હોવા છતાં ઉડતા અચકાય છે.

ધીરુબહેન પટેલ નારીચેતનાના હિમાયતી રહ્યા છે. આ પલે પલે પલટાતી દુનિયામાં જીવવા મથતી નારીના બદલાતા‚ ધબકતા જીવનને ધીરુબહેન જીવ્યા છે. નારીને એમણે ખૂબ નજીકથી નિરખી છે ‚પારખી છે.ભારતીય સંસારમાં એની સ્થિતિને‚એના સંવેદનને સ્પર્શી શકાય એટલા નજીકથી જાણે અનુભવ્યા છે. એમણે જોયું છે કે છે આજ સુધી દરેકે પોતપોતાની જરુરિયાત પ્રમાણે જ તેને જોઈ છે .દીકરી ‚પત્ની‚ કે મા તરીકેના સાંભળવામાં સોહામણા લાગતા સંબંધોના વાઘામાં એક કર્તવ્યપરાયણ નારીની જ અપેક્ષા રાખી છે. ઘણી નારી પણ પાત્ર પ્રમાણે પાત્રમાં એટલી તો ઓતપ્રોત થઈ ગઈ છે કે એક નારી તરીકે પોતાના એક આગવા‚ અલાયદા વ્યક્તિત્વને કાંતો ભૂલી ગઈ છે− કાંતો ફરજોના પાલનના બદલામાં મળતી ઉપેક્ષાના વારંવાર ભોંકાતા શૂળે એને અંદરથી એટલી આળી બનાવી દીધી છે કે સ્ત્રીના રક્ષણ‚ હક્કો માટેના કાયદા પણ માત્ર કાગળ પરના અક્ષરો બની એના અંતરના આંસુથી ભીંજાઈને ભૂંસાઈ જાય છે.

ધીરુબહેને આવી કર્તવ્યનિષ્ઠ અને બીનપ્રભાવી વ્યક્તિવવાળી‚સંબંધોની‚ સમાજની અને એની પોતાની અણસમજની પેટીમાં પૂરાયેલી નારીને પેટી ખોલવાની ચાવી પણ તેની પાસેજ છે એની સમજ પોતાના ‘છોળ અને છાલક ’કાવ્ય સંગ્રહ (પ્ર.સાલ-૨૦૧૪)ના ‘છોળ’ શીર્ષક હેઠળ સમાવિષ્ટ ‘ઉપદેશ-૧’અને ‘ઉપદેશ-૨’નામના કાવ્યો દ્વારા આપી છે.

‘ઉપદેશ-૧’ માં ધીરુબહેને એવી નારીને ઉપદેશી છે કે જે પોતાના બાળક ને રામ કે કૃષ્ણ માની કૌશલ્યા અને યશોદા બની ઉછેરે છે અને શ્રવણ કલ્પે છે. એજ સંતાન વયસ્ક થતાં વૃધ્ધ માને આપે છે - અન્યાય ‚અપમાન અને અવહેલના. પોતાના જ ઘરમાં ઓશીયાળી બની ને રહી જતી કે વૃધ્ધાશ્રમમાં આશરો શોધતી મા આવા સંતાન સામે કાર્યવાહી કરી શકતી હોવા છતાં કરતી નથી‚ કરી શકતી નથી.કવયિત્રીના મતે એને પોતાને માતા તરીકે કવિઓ દ્વારા મળેલી પ્રસંશાની પુષ્પવૃષ્ટિ‚ ૠષિ મુખે‘ કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ ’ના મળેલા સંસ્કાર એને સંતાન તરફ લાલ આંખ કરતા અટકાવે છે. આવી નારીને ધીરુબહેન સમજાવે છે−

‘વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા
નથી નથી એ પ્રકૃતિની દેણ
છે જટિલ માનવ સંસ્કૃતિની વધુ એક બેડી
ચકચકિત રૂપાળી ચાંદીની સોનાની
તોયે બેડી!’[1]

એક માતા કે જેણે પોતાના વ્યક્તિ તરીકેના અસ્તિત્વ ને માત્ર ફરજ ના અદિઠ તારે એવુંતો બાંધી લીધું છેકે એ પોતેજ બાંધેલી આ બેડીથી બંધાઈને જીવ્યા કરે છે. આવી નારીને એની રૂપાળી પણ બેડીનું ભાન કરાવતા એને પૂછે છે કે −
‘રુધિર નો પ્રવાહ પણ એક માર્ગી નથી એમ હોય તો જીવન અટકી જાય તો પછી સ્નેહ નો પ્રવાહ શા માટે એક માર્ગી?’[2]

‘પ્રેમના ઉપર થી હંમેશા નીચે તરફ વહેતા પ્રવાહમાં માતાનો કુપુત્ર તરફનો પ્રેમ પણ વહી જાય એ હરગીજ મંજૂર ન હોઈ શકે.માતા તરીકે પોતાના કુપુત્રને સુધારવા અને એની પાસેથી પોતાને મળવા જોઈતા માન સન્માન મેળવવા જગજનનીની માફક માતૃત્વના મહાતેજ થી પ્રકાશમાન ત્રિશૂળ હાથમાં લેવું પડે તો તે લેતા એણે અચકાવું ન જોઈએ.ચમત્કાર વગર નમસ્કાર શક્ય નથી. જગ જનનીના ચહેરા પરના મંગલ સ્મિતનું રહસ્ય પણ ત્રિશૂળ જ છે. ત્રિશૂલનો પુરાકલ્પન તરીકે ઉપયોગ કરી નારીને એ વાત સમજાવી છે કે ‘નારી તું માતા તરીકે પણ તારી એવી પ્રતિભા ઉભી કર કે તારા સંતાન તારી અવહેલના કરવાને બદલે સ્નેહ અને આદર સાથે વર્તે અને તારા સંતાન હોવાનું ગૌરવ અનુભવી શકે’.નારી જ નારાયણી થઈ શકે.

‘ઉપદેશ -૨ ’નામના કાવ્યમાં એવી નારીને ઉપદેશી છે જે કહેવાય છે તો ‘રસોડાની રાણી’ પણ વર્તે છે ‘દાસી’ની જેમ .ધીરુબહેને જોયું છે કે લગ્નનાં પાંત્રીસ પાંત્રીસ વર્ષના વહાણા વહી ગયા હોવા છતાં પોતાના જ ઘરમાં વહેલી સવારથી રાત સુધી ઘર આખાનું કામ હોંશે હોંશે કર્યા કરીને ‚બધાને મનપસંદ વાનગી થાળમાં પીરસીને આપ્યા પછી પોતે તો નાનકડી થાળી હાથમાં આવે તો થાળી‚ નહીં તો તાસક‚ છીબું જે રસોઈના કામમાં વપરાયું હોય તે લઈને જેમ તેમ લૂખૂંપાખું ‚વાસી− ટાઢું જલદી જલદી એક્લી બેસીને જાણે પેટમાં ઓરી દે છે. પોતાને ભાવતું શાક પણ જાતે ખરીદીને ન ખાતી અન્યના આનંદમાંજ પોતાનો આનંદ જોતી સ્ત્રી પોતેજ તેનાથી દુર રહે છે. એવું નથી કે ઘરમાં એને શાંતીથી બેસીને જમતાં કે પોતાને ભાવતું શાક ખરીદીને બનાવીને ખાતા કોઈ રોકનાર કે ટોકનાર છે. કે સૌની સાથે બેસીને આનંદ માણતા એને કોઈ અટકાવે છે.

હા! એને એમ કરતાં રોકે છે સદીઓથી માતાએ અને દાદીએ વારસામાં આપેલી શીખ. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને પોતાના આગવા વ્યક્તિત્વને ભૂલી જઈને જીવન જીવવાની આપેલી એ શીખને લોહીમાં વણી લઈ પોતાની જાતને ‘મારે તો ચાલશે ફાવશે’ ના ઢાંચામાં એવીતો ઢાળી દીધી છે કે બદલાયેલા સમયમાં પોતાની સામે− સામે શું કામ? પોતાના જ હાથમાં પોતાના આનંદની −ખુશીની તક હોવા છતાં એનો લાભ એ લઈ શકતી નથી. સમયના પલટાયેલા પ્રવાહમાં પણ પોતાની જાતને મુક્ત રીતે વહેવા દઈ શકતી નથી. આવી સ્ત્રીને કવયિત્રી કહે છે

‘ક્યારે કહેશો
રસોડાની આ રાણી છું હું નથી કોઈની દાસી
આનંદકિલ્લોલ કરાવીશ સૌને
હું પણ નહીં રહું બાકી ?’[3]

ઉપદેશ-૧ માં માતા તરીકે પોતાના લોહીથી સીંચેલા સંબંધથીજ લોહીલુહાણ થઈને પણ માત્ર આંસુ સારી રહી જતી માતાને અને ઉપદેશ-૨માં ઘરરખ્ખુ ગૃહિણીને એના અલગ વ્યક્તિત્વનો અહેસાસ કરાવી એના પ્રભાવનો અન્યને અહેસાસ કરાવવાની શીખ આપી છે.

પત્ની‚ માતા જેવા વિવિધ સંબંધોના મીઠા લાગતા જાળાથી પોતાની જાતને થોડી દૂર કરી ‘નારી જ્યારે નારાયણી બનશે ’ત્યારે ‘જે કર પારણું ઝુલાવે છે તે જગત પર શાસન કરશે.’વર્તમાન સમયમાં વૃધ્ધ માતાઓ પર થતા અત્યાચારે જ્યારે માઝા મૂકી છે ત્યારે ધીરુબહેનના આ‘ઉપદેશ’ની પ્રસ્તુતતા ઘણી વધી જાય છે.

*************************************

સંદર્ભસુચિ

1. ‘છોળ અને છાલક ’ ધીરુબહેન પટેલ – પ્રથમ આવૃતિ -૨૦૧૪ પૃ-૬૬
2. એજન પૃ-૬૭
3. એજન પૃ-૬૯

*************************************

ડૉ. અર્ચના જી.પંડ્યા
એસ.એલ.યુ આર્ટ્સ એંડ એચ એંડ પી ઠાકોર કૉમર્સ કૉલેજ ફોર વિમેન
અમદાવાદ