આસ્વાદ-સમીક્ષાલેખ

‘ઠંડો સૂરજ’-ના કાવ્યો

ડૉ. જગદીશ દવે ગુજરાતી ભાષાના આજીવન અધ્યાપક છે અને એમનું તપ અડધી સદીથી પણ વધુ સમયથી અખંડ, અવિરત ચાલી રહ્યું છે. 1984માં સંશોધનાર્થે લંડન આવ્યા અને અહીંના ગુજરાતી સમાજે એમને રોકી લીધા. અહીંના બે દાયકા ઉપરના વસવાટમાં (SOAS)માં અધ્યાપક, ‘હેરો વિદ્યાવિહાર’ના આચાર્ય, ‘ભારતીય વિદ્યાભવન’(લંડન)ના કોર્સ ડિરેકટર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’(લંડન) પાઠ્યપુસ્તકોના સંપાદક-લેખક, શિક્ષક, તાલીમ વર્ગોના મુખ્ય અધ્યાપક, ‘ગુજરાત સમાચાર’(લંડન)ના કટાર લેખક, ‘સાઉથ એશિયન લિટરેચર સોસાયટીના અધ્યક્ષ’, ‘ચંદેરિયા ફાઉન્ડેશન’ની ‘ગુજરાતી ટીચિંગ વર્ડવાઈડ’ના માનદ્ પ્રોજેક્ટ ડાયરેકટર એમ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયા છે. એમની આ સેવાઓને લક્ષ્યમાં લઇને બ્રિટન સરકારે એમને ‘ફેલો ઓફ રોયલ સોસાયટી ઓફ આર્ટ્સ'(FRSA)અને MBEની પદવીથી સન્માન્યા છે, ‘સાહિત્ય સંગીત કલા નિકેતન’- સંસ્થાએ સૂવર્ણ ચંદ્રક પ્રદાન કર્યો છે. ‘ઇન્સિટ્યુટ ઓફ લિંગવિસ્ટ, ગુજરાતી સાહિત્ય અકાદમી’, લંડન અને ‘વિશ્વ ગુજરાતી સમાજે’- માનદ્ સભ્યપદ આપ્યું છે. ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદે’ ડાયસ્પોરાના કવિ તરીકે સન્માન કર્યું છે. આ બધી જ પ્રવૃત્તિઓ અને માન-અકરામોની પડછે કવિતાનું વહેણ મંદ મંદ પણ વહેતું રહ્યું છે. એમની અન્ય પ્રવૃત્તિઓની સરખામણીએ એમણે કવિતા ભલે ઓછી લખી હોય પરંતુ જેટલી લખી છે તેટલી એમની કવિત્વશક્તિનો પરિચય આપવા પૂરતી છે.

‘ઠંડો સુરજ’- જગદીશભાઈનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહમાં 1953થી 1997 સુધી રચાયેલી કૃતિઓનો સમાવેશ થયો છે અને કૃતિઓને 1984થી 1997 તથા 1953થી 1997 એમ બે વિભાગમાં મુકવામાં આવી છે.

ભારતથી આવનાર કોઈને પણ આ દેશમાં સૌથી પહેલો અભાવ સૂરજનો વર્તાય. દિવસો સુધી સુરજ દેખાય નહીં અને દેખાય ત્યારે પણ અહીંની હાડ થીજવી દે તેવી ઠંડીમાં સાવ ઠંડો લાગે..!! ભારત જેવો તીખો-તમતમતો સૂરજ અહીં ભાગ્યે જ જોવા મળે. કાવ્યસંગ્રહના શીર્ષક દ્વારા જ કવિએ આ દેશના હવામાનને અને પોતાની ભારતીયતાને વ્યક્ત કરી દીધાં છે. કવિ બ્રિટનમાં આવીને વસ્યા ત્યારની પ્રારંભિક મથામણો આ સંગ્રહના પ્રથમ કાવ્ય ‘હું ગૂર્જર લંડનવાસી’-માં જોઈ શકાય છે. મૃદુભાષી અને સૌમ્ય એવા આ કવિની વાણીમાંથી અણિયાળા વ્યંગ નીકળે છે. કવિએ કહેવાતી સભ્યતા પર તાકી તાકીને તીર માર્યા છે. કવિ કહે છે કે હું ભારતથી આવું છું, જેને આપ સૌ ‘ઇન્ડિયા’ કહો છો.. વળી હું ‘વાયા આફ્રિકા’ નથી.

“અરેરે..
તો તો આપણો નહીં..નહીં....”

કવિ સ્વીકારે છે કે એમને આખું બોલવાની ટેવ છે. સભ્યતા હજી શીખ્યા નથી અને કુલડીમાં ગોળ ભાંગતા આવડતું નથી.! વહેલા જાગીને પૂજા- ધ્યાન-આસન હજી ચાલે છે. કવિને આશા છે કે આ બધી જૂની ટેવો નવા મિત્રોના સહવાસથી છૂટશે.!

‘સદી ગયું...’ .કાવ્યના આરંભે કવિ કહે છેઃ

‘આપણને તો ભૈ, સદી ગ્યું લંડન...!!”

પણ અંતમાં સ્વીકારે છે કેઃ

“ઈ બધું ય હાચું, પણ ગમે ઈ કો
બબલીની બા રોટલા ને મરચાનું અથાણું
બપ્પોરના લાવતીતી શેતરે
ઈ રૈ રૈને હાંભરી આવે ને
તંઈ...ગમતું નથી.”

‘રવિ-કવિ યુતિ’- માં પ્હેલ વ્હેલો બરફ પડેલો જોયો તે અનુભવ શબ્દબદ્ધ થયો છે. કવિએ અહીં યુતિ શબ્દ પ્રયોજ્યો છે ‘યોગ’ નહીં.!

‘મેઘધનુષના સપ્તરંગ’ – કાવ્યમાં બ્રિટનના અનેક રંગ ઝીલાયા છે. સાથે સાથે ઘરઝૂરાપો પણ વ્યક્ત થયો છે. કવિ બ્રિટનવાસી થયા છે પણ ‘ભારતવાસી ગૂર્જર બ્રિટનવાસી’- એ કારણે જ શરીર ઇલિંગ રોડ પર ઘૂમે છે અને મન મુબઈના શેરબજાર અને અમદાવાદની રતનપોળમાં ભમે છે. રાણીના મહેલ સામે ફરતા ફરતાં સોરઠભૂમિ અને હાઈડ પાર્કમાં જઈને બસતાં ચોપાટી અને કાંકરિયાની સભાઓ સાંભરે છે. થેમ્સ નદીને જોઈને ગંગા, યમુના, સરસ્વતી અને નર્મદા નદીઓનું સ્મરણ થાય છે અને વિશાળ ચર્ચોને જોઈને દ્વારકાનું મંદિર, પાલિતાણાના જૈન દેરાસરો, અમૃતસરનું સુવર્ણમંદિર, સારનાથની બુદ્ધની મૂર્તિઓ પ્રત્યક્ષ થાય છે. બ્રાયટનના સાગરકાંઠાને જોઈને સોમનાથ યાદ આવે છે. પરંતુ સાથે સાથે પ્રાદેશિક સીમાઓમાંથી નીકળીને વિશ્વમાનવ બનવાનો ભાવ જન્મે છે.

“સાતે અશ્વો શોધે સૂરજ”-માં પણ બ્રિટનના સંદર્ભો છે. આ દેશમાં સૂરજ એના પ્રખર સ્વરૂપમાં ભાગ્યે જ દેખાય છે. એટલે કવિ કહે છે.

“આલપ ઝલપ દેખાતો સૂરજ
કાળો સૂરજ ધોળો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ”

આ કાવ્યમાં અહીંના રોજ-બ-રોજના જીવનમાં વપરાતા શબ્દો જેવા કે ‘થ્રો-અવે’, ‘ટેક-અવે’, ‘મગીંગ’, ‘વિન્ડો શોપિંગ’, ‘શોપ લિફ્ટિંગ’- ગૂંથી લીધા છે. ‘બિગબેનના ડંકા’ કાવ્યમાં બ્રિટિશરોના સમયપાલનને વ્યંગ્યાત્મક રીતે વ્યક્ત કર્યું છે.આ સંગ્રહમાં ગાંધી વિષયક કાવ્યો ઘણા છે. “દાંડી...ગાંધી....બ્રિટન”- કાવ્યમાં ગાંધી અને બ્રિટનની તુલના થઈ છે. ગાંધીજીનો પરિચય આપતાં કવિ કહે છેઃ

“આ ગાંધી
જેના નામે ચડી જગતમાં
શાંત સ્તબ્ધ આંધી..
આ ગાંધી.”

ગાંધી હસે છે તો લાગે છે કે જાણે નિર્મળ, મંગળ જ્યોત હસે છે. પરંતુ જ્યારેઃ

“બ્રિટન હસે છે
લાઠી ગોળી મશીનગનોના
તાલો સાથે
બ્રિટન હસે છે.”

બ્રિટનના સામ્રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેનો નિર્દેશ કરી કવિ વ્યંગ કરે છેઃ

“ખબર ન’તી કે
આ જ બ્રિટને
સૂર્યદર્શનોનાય કલાકો
ગણી ગણીને કે’વા પડશે
ટી.વી. બોક્સે.”

ભારતનો ચિરંતન પ્રકાશમાં કવિએ ગાંધીના સુંદર શબ્દચિત્રો આપ્યા છે.

“નૈત્રો સોમ્ય, ઊંડા, બુદ્ધસમ કરુણાભીનાં સતત
દરિદ્રનારાયણના અવતાર સમો દેહ
કૃશ
પણ અન્યાય સામેનો પુણ્ય પ્રકોપ એ જ નોત્રો દર્શાવે ત્યારે
બળબળતાં ને કાળઝાળ, દૃઢ, અડગ
જાણે ભગવાન શંકરના ત્રીજા નેત્રની પ્રસાદી...!!
હાકેમો ય જીરવી ન શકે એ
નેત્રોનું તેજ....!”

કવિનો શ્રદ્ધા છે.

“શાંતિ અને મૈત્રીના ઓજસ પાછળ
ક્રિયાની પ્રચંડ ગતિ...!
ના, એ પ્રકાશ ગયો નથી.
ભારતનો એ અમર વારસો છેઃ
ગાંધી હતા, છે, રહેશે.”

‘મોહનદાસ કરમચંદ ગાંધી’-માં પણ એ જ શ્રદ્ધાની સરવાણી વહે છે.

“નામે મોહન
મોહ ન
દાસ પ્રભુનો.”

કેવા છે આ ગાંધી...? કર્મે યોગી, અટકે ગાંધી. બંધુક અને તોપોના કેર સામે સુતરની તકલી માંડનાર ગાંધી. એ ન સત્ય ચૂક્યા કે ન ધર્મ. ગોડસેની ગોળી ખૂલ્લી છાતી પર ખાધી. દેહ પડ્યો પણ મૃત્યુંજય થઈ દુનિયાભરમાં ગાંધી ગાંધી થઈ ગયું.
કાવ્યસંગ્રહના બીજા વિભાગ, ‘પૂર્વ-આલાપ’-માં ચિતનનું તત્ત્વ વિશેષ છે. આત્મા તત્ત્વ-માં નરસિંહનું સ્મરણ થાય એવી પંક્તિઓ છે.

“જ્યાં લગી દેહમાં દેવ દીઠાં નહીં
ત્યાં લગી પ્રેમની વાત જૂઠી
જ્યાં લગી ન જાણી આત્મા તણી અમરતા
ત્યાં લગી ફાની દુનીયા જ ખોટી.”

‘દ્વાર ખોલો’- કાવ્યમાં અંતરની આરત પ્રગટ થઈ છે. કવિ ઇશ્વરને ફરિયાદ કરે છે કે યુગોથી ભૂખ્યો-તરસ્યો તારે દ્વારે આવ્યો ત્યારે તેં દ્વાર ન ખોલ્યા...ભલે પંથ ભૂલીને કે જગતના વેરઝેર અને લુચ્ચાઈથી કંટાળીને આધાર શોધવા આવ્યો પણ તેં દ્વાર ન ખોલ્યા. પરંતુ એકવાર...

“તારી જ્યોત દેખાઈ ચિરંતન
શાંત તેજસ્વી જોઈ મોહ્યું મન
ઉછળી ઊઠ્યું ઉરનું સ્પંદન
નોંધારાનો આધાર....”

આ અનુભૂતિ થઈ એટલે વિશ્વાસ આવ્યો કે ભલે થાકેલો દેહ અહીં પડશે પરંતુ કોડિયાની જ્યોત તવ દીપમાં ભળી જશે. આ મિલન ટાળી શકાશે નહીં અને તારે દ્વાર ખોલવા જ પડશે. અને જો દ્વાર ખોલવા જ પડવાના હોય તો આજે કેમ ના ખોલે દ્વાર.... એવો પ્રશ્ન થાય છે. પરમની પ્રાપ્તિની તીવ્ર ઝંખના અને હ્ય્દયના ઊંડાણમાંથી થયેલો પોકાર અહીં સાંભળી શકાય છે.
‘નાસ્તિકનો સંતોષ’-માં કવિ દેવોને નિમંત્રણ આપે છેઃ

“આવો જેમને આવવું હોય તે,
સ્વીકારવા તૈયાર છું..
પણ એક જ શરતે
જેને હોય મારી ભક્તિમાં શ્રદ્ધા
તે જ આવે...”

કવિના આ આગ્રહને કારણે આસન ખાલી છે. કવિને થાય છે કે એમનું નિમંત્રણ સ્વીકારવા માટે દેવોમાં હુંસાતુંસી થઈ હશે. હરિફાઈ થઈ હશે. કુરુક્ષેત્ર જામ્યું હશે...! ઋજુ હ્ય્દયના કવિ કહે છેઃ

“ભલે રહું છું નાસ્તિક
મારી ભક્તિ માટે જાગે
તમારામાં દ્વેષ
એટલો સંતોષ
બસ છે મારે...!”

કેટલાક કાવ્યોમાં કવિની અંગત અનુભૂતિઓ અનાયાસ વહી આવી છે. ‘સોરી’- કાવ્યમાં કવિ કહે છે.

“મારા જ સર્જેલા
મીઠા કડવા અનેરા પાશમાંથી
ક્યાં હજીય છૂટ્યો છું.
તે
તૂજ ભુજમહી બંધાઉં...?”

‘સ્મૃતિ’ કાવ્યમાં જ્યાં શ્રદ્ધા મૂકી હોય ત્યાંથી મળેલા કૂઠરાઘાતની વેદના છે.
‘એક પત્ર’- કાવ્યમાં કવિએ જેને પત્ર લખ્યો છે તેને પહોંચવાનો નથી તે જાણવા છતાં લખ્યો છે. પત્ર કોને લખાયો છે તેનો સંકેત આ પંક્તિઓમાં મળે છે.

“તમારા થથરતા હાથોમાં
આંખના મોતિયા ઉવેખીને
વાંચવા મથતી તમારી કીકીઓ સમડી...”

જ્યારે છેલ્લે મળ્યા હતા ત્યારનું ભાવવાહી શબ્દચિત્ર આલેખાયું છે. કવિ જાણે છે કે લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો અસમર્થ છે. શબ્દો ક્યારેક તો અનર્થ પણ સર્જે છે. છતાં કવિ પોતાની લાગણીઓને શબ્દમાં ઉતારવા વિવશ થયા છે.
‘સાથે’ કાવ્યમાં કવિ કહે છે.

“બોલો
મળો જરૂર
સાથે વસવાની વાત નૈ...”

સાથે હસવાનું મંજૂર પણ સાથે રડવાની વાત નૈ..!
હરવા-ફરવાનું મંજૂર પણ બેડી બનવાની વાત નૈ...! સાથે ખાવા-પીવાનું ખરું પણ કોળિયા દેવાની વાત નૈ..!.સાથે જીવવાની કે મરવાની વાત નૈ...! કવિ આ સંબંધ તોડવા નથી માગતા પણ કુશળતાથી એ સંબંધને આત્મિયતાની કક્ષાએ લઈ જવાની ના પાડે છે.
‘પૂર્ણવિરામ’-કાવ્યમાં આ વાત જરા મુખર રીતે વ્યક્ત થઈ જાય છે. કાવ્યની શરુઆતમાં જ કવિ સ્વીકારે છે કેઃ

“અને આખરે
એ વાત ઉપર
પૂર્ણવિરામ મૂકાઈ ગયું...!.

આગળ કહે છે.

“કેલિડોસ્કોપમાં ન સમાય
એટલા વૈવિધ્યપૂર્ણ
નિત્ય નવીન
સ્વરૂપો ધરાવીને તું
આવતી જ રહી
અણસમજમાં હું તેના અનુકૂળ અર્થો ઘટાવતો રહ્યો.!”

કાવ્યાંતે વિદાયની પીડા છેઃ

“હવે તો બાકી
બસ
ચિર વિદાય
કોની
કોનાથી...?”

પ્રણયભંગની વેદના અહીં વાંચી શકાય છે. બહુરૂપિણી નાયિકા પ્રત્યેનો અભાવ વ્યક્ત કરતી વખતે પણ કવિએ શાલિનતા છોડી નથી.
‘ઘરઝૂરાપો’ પણ આ કાવ્યોમાં વ્યક્ત થતું પ્રમુખ લક્ષણ છે. ‘મોડું થઈ જાય ત્યાર પહેલા..!’..માં કવિ શક્તિ ખોળી રહ્યાં છે. કેવી રીતે...ટાંચા ઘરસંસારમાં મા રસોડામાંથી રાઈમેથીના ડબલામાંથી પાઈ પૈસો આપે એમ. આ અદભુત ઉપમા દ્વારા કવિએ બાળપણમાં વેઠેલા આર્થિક અભાવને અને તેમની માતાને પ્રત્યક્ષ કરી આપે છે.
કવિને બાળપણ સાંભળે છે.

“અચાનક બેસુ છું બની
માનો પાલવ પકડી હઠ કરતો જગુડો...
ડબામાંથી કાંઈ જડે
તો
દોડી જાઉં મમરાની લાડુડી લેવા
કે ખારી સીંગ
કે શેકેલા કચૂકા...
ખૂણે બેઠેલી
આંખનું નેજવું કરીને જોતી
વર્ષો જૂની ટોપલીઓમાં નવોજૂનો માલ
સંઘરીને બેઠેલી
કાળી ડોશીની પાસે...!”

કવિના સ્મૃતિપટ પર કાળી ડોશી હજુ એમની એમ બેઠી છે.
‘ઢળતી સાંજ’ – કાવ્યમાં આ ઘરઝૂરાપો ચરમસીમાએ પહોંચ્યો છે. કવિને પોતાનું ઘર સાંભળે છે. ઢળતી સાંજે દૂરના મંદિરમાં આરતીના ઘંટારવ થતો હોય, મા તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવી પૂજા ઘરમાં ધૂપસળી મ્હેકાવી ભાવવિભોર થઈ હલકભર્યા કંઠે ભજન ગાતી હોય, પાકગૃહમાંથી કર્તવ્યરત ગૃહિણીના કંકણોનો આવકારતો નાદ સંભળાતો હોય, ભાંખોડિયાભેર દોડી આવતા શિશુના પગની ઝાંઝરીનો સાદ સંભળાતો હોય એવું એ ઘરમાં સ્વર અને સુગંધનું સાયુજ્ય....!! કવિ કહે છે...

“આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો...?”

બાળપણમાં કવિ જે ઘરમાં રહેતા હતા એ ઘર હવે કવિના મનમાં રહે છે.
‘ઠંડો સૂરજ’-ની રચનાઓમાંથી પસાર થતાં કવિના વ્યક્તિત્વના બે પાસા સ્પષ્ટ જોઈ શકાય છે. પૂર્વ-આલાપના કાવ્યો માં કવિની સંવેદનશીલતા અને ચિતન-મનનનો પ્રભાવ વિશેષ છે. જ્યારે લંડનમાં આવીને લખાયેલા કાવ્યોનો કવિ વધુ બૌદ્ધિક છે. તટસ્થ છે અને સૂક્ષ્મ નીરિક્ષણો કરે છે. ભાષામાં મૃદુતા ઓછી થઈ છે અને વ્યંગની ધાર તિવ્ર થઈ છે. અલબત્ત સંવેદનશીલતા ઘટી નથી. પરંતુ દેશ અને વિદેશમાં વ્હેંચાયેલા મન અને શરીર વચ્ચેનો ગજગ્રાહ પમાય છે. ઠંડો સૂરજ-નો કવિ બ્રિટનવાસી થયો છે છતાં ગૂર્જરવાસી મટી શક્યો નથી.!!

*************************************

ડૉ. દીપક રાવલ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ધ એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા-390002