આસ્વાદ-સમીક્ષાલેખ

આધુનિકોત્તર વાર્તા અને બોલી

ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ઈ.સ.1999માં (તા-26/12 એ) વિસનગર ખાતે મળ્યું હતું. તે અધિવેશનમાં ટૂંકી વાર્તાની બેઠકમાં રમેશ ર. દવે, ઈવા ડેવ અને હિમાંશી શેલત વગેરે વાર્તાકારોએ વાર્તા સંદર્ભે વાત કરી હતી. તેમાંથી રમેશ ર. દવે, ઈવા ડેવે વાર્તાની કેફિયત રજૂ કરી હતી. જયારે હિમાંશી શેલતે આજની ટૂંકી વાર્તાની મર્યાદાઓ ચીંધી બતાવી હતી. તેમને વધતા જતા ‘બોલી’ના આધિપત્ય પ્રત્યે ચિંતા રજૂ કરી હતી. પરંતુ બોલીના ઉપયોગથી કઈ વાર્તાઓ કથળી છે તેની વાત કરી નથી. આજે 5,જાન્યુ.-2015માં ફરી વિસનગર ખાતે ‘અનુ આધુનિક ટૂંકી વાર્તામાં બોલીનો સર્જનાત્મક વિનિયોગ’ નામનો પરિસંવાદ થઈ રહ્યો છે ત્યારે એ પ્રશ્નને યાદ કરીને ‘આધુનિકોત્તર વાર્તા અને બોલી’ સંદર્ભે થોડીક વાર્તાઓ લઈને વાત કરવી છે.

ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશીને આધુનિકયુગના પ્રણેતા માનવામાં આવે છે. આધુનિકયુગમાં માનવી કેન્દ્રમાં હતો. વિચ્છિન્નતા,એકલતા,નિરાશા વગેરે મનુષ્યજીવનમાં વ્યાપી ગઈ હતી તેનું આલેખન આ સાહિત્યમાં વધુ જોવા મળે છે. આધુનિકયુગ પછીનો યુગ એટલે આધુનિકોત્તર. આ અનુઆધુનિક વિશે સમજાવતાં જયંત ગાડિતે કહ્યું છે કે- “આધુનિકતાવાદીઓએ કળા પ્રવુત્તિને ‘કળાકારની કળા’ બનાવી, આમ સમૂહથી ઠીક-ઠીક વિમુખ કરી નાખી હતી. અનુઆધુનિકોએ કળાને આ સીમિતિ કોચલામાંથી બહાર કાઢી લોકભોગ્ય સર્જનને પણ માનવજીવનના એક આવિષ્કાર તરીકે તેમણે સ્વીકાર્યું અને લોકભોગ્ય સર્જનની ઘણી પ્રવુત્તિઓને કળા સર્જનમાં ખપમાં લીધી.”(‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ - જયંત ગાડીત(સંપાદક), પ્રકાશન-સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, પ્ર.આ.-1999, પૃ.-4)

આમ અનુ-આધુનિક સાહિત્યએ જીવન-સમાજને નજીકથી જોતું થયું. નવલકથા, નવલિકા, નાટક, કવિતા, નિબંધ વગેરે સ્વરૂપોમાં આ જીવનવાદી અભિગમ જોવા મળે છે. સમાજથી દૂર ગયેલા સર્જકો પાછા નિજ તરફ આવ્યા. આથી કહી શકાય તેઓ ‘BACK TO NATURE’ અને ‘BACK TO ROOT’ તરફ વળ્યા. અનુ-આધુનિકયુગમાં સૌથી વધુ નવલિકા-ટૂંકી વાર્તા સ્વરૂપનો વિકાસ થયો. આ ટૂંકી વાર્તાને આધુનિકોત્તરયુગમાં ‘પરિષ્કૃત વાર્તા’ અને ‘દેશી વાર્તા’ તરીકે ઓળખાઈ તો હિન્દીમાં ‘નવી વાર્તા’ તરીકે ઓળખાઈ છે. આધુનિકોત્તર વાર્તા આધુનિકયુગથી જુદી છે. કેમકે
-વાર્તાને એની સામાજિક ભૂમિકા પાછી આપવામાં આવી છે.
-પાત્રોને એના સમાજ, કુટુંબ, પરિવેશ વચ્ચે રાખીને આલેખન કરવામાં આવે છે.
-તળજીવનનો મહિમા રજૂ થયો છે.
- આ વાર્તા વાસ્તવજીવનના પરિવેશનો મહિમા કરે છે.
-વ્યાકરણગત બોલીનો નહીં પણ રોજરોજના વ્યવહારમાં લોકોના મુખે બોલતી ભાષાનો પ્રયોગ- સર્જનાત્મક ઉપયોગ વાર્તામાં વધુ ધ્યાનપાત્ર કર્યો છે.

આધુનિકોત્તર ટૂંકીવાર્તા એ આધુનિક થી અલગ છે તે વાત હવે સર્વ સ્વીકૃત છે. કેમકે આ સમયની વાર્તામાં તળજીવન, તળભાષા, પાત્રોની ઓળખ, વાસ્તવજીવન-પરિવેશ તથા સાચા જીવન પ્રત્યેની નિસબત, સામાજિક ભૂમિકા ને આ બધાને રજૂ કરવા માટે વપરાયેલી સર્જનાત્મક બોલીના વિનિયોગથી આધુનિકોત્તર વાર્તા જુદી પડે છે. મારા આ લેખમાં બોલીનો સર્જનાત્મક વિનિયોગ આધુનિકોત્તર વાર્તામાં થયો છે તે તપાસવાનો ઉપક્રમ છે

આધુનિકોત્તર સમયની વાર્તાને બોલી સંદર્ભે પાંચ ભાગમાં જોઈ શકાય. 1. દલિત ચેતનાની વાર્તાઓ 2. ગ્રામ ચેતનાની વાર્તાઓ 3. અરણ્ય ચેતનાની વાર્તાઓ 4. નગર ચેતનાની વાર્તાઓ 5. નારી ચેતનાની વાર્તાઓ.

આધુનિકોત્તર વાર્તામાં બોલીનો સર્જનાત્મક વિનિયોગ વિશે વાત કરતાં પહેલા બોલી સંદર્ભે થયેલી થોડીક ચર્ચા જોઈએ. આધુનિક વિવેચક સુમન શાહ ‘અનુ-આધુનિક ટૂંકી વાર્તામાં બોલી’ ના વિનિયોગ સંદર્ભે ફરિયાદના સૂરમાં જણાવે છે કે- “આપણે ત્યાં ‘પરિષ્કૃતિ’ શીર્ષકથી જાણ્યે-અજાણ્યે એ જ ફરિયાદને વાચા આપવાનું શરૂ થયુ હતું. પણ તરત પછી એ ફરિયાદનો નિકાલ વાર્તામાં વિવિધ બોલીઓ પ્રયોજવાથી થઈ જશે એમ માન્યતા બંધાઈ. એવી માન્યતા બંધવાને કારણે એ વાર્તાનું સ્વરૂપ જ બદલાઈ ગયું. એટલી હદે કે બોલીઓમાં લખાયેલી વાર્તાઓ અનુ-આધુનિક કહેવાઈ” (લેખનું નામ- ‘અનુ આધુનિક વાર્તામાં બોલી’-, પુસ્તક-અનુ-આધુનિકતાવાદ અને આપણે, સુમન શાહ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્ર.આ. 2008, પૃ.44,)

તો બોલીનો ઉપયોગ આધુનિકોત્તર સમયમાં સર્જનાત્મક થયો છે. તેમના ફરિયાદના જવાબ રૂપે મોહન પરમાર મત જુઓ -
"તળપદી બોલી અને તળપદી વાતાવરણનો ઉપયોગ વાર્તામાં કરવામાં આવે તેટલા માત્રથી વાર્તા અનુ-આધુનિક બની જાય તે તો માત્ર ભ્રમ છે. કૃતિમાંથી પ્રગટતું સંવેદન કૃતિના ભીતરમાં રહેલા અર્થ સાથે અનુસંધાન ન રચતું હોય, વાર્તાને કલાનો સંસ્પર્શ થયો ન હોય કે વાર્તાની સૂજ-સમજ કેળવીને કમાલ દાખવી ન હોય – તો તેવી વાર્તાઓમાં તળપદી બોલીનો વિનિયોગ વ્યર્થ સાબિત થશે"(વાર્તારોહણ, મોહન પરમાર, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. જાન્યુઆરી-2005, પૃ. 101)

"આજની વાર્તામાં ગ્રામજીવનની વાર્તાઓએ અનોખી કેડી કંડારી આપી છે. બોલી તેનું મુખ્ય શસ્ત્ર છે. એ વિના તેના પરિવેશને સૂક્ષ્મ બનાવી શકાય નહિ. તેવીજ રીતે નાગરી પરિવેશમાં રચાતી વાર્તામાં સર્જનાત્મકતા લાવવા વ્યંજના ઘટકો દ્રારા વાર્તા રચવાનું વલણ વધ્યું છે. જેમ બોલીના વિનિયોગમાં વાર્તાકારની સજ્જતા સબળ ન હોય તો વાર્તા પરંપરિત બને તેમ વ્યંજકો કે વ્યંજના ઘટકો નિરૂપવામાં વાર્તાકારની સજ્જતા ઊણી પડે તો વાર્તાને પરંપરિત ઢાંચામાં ઢળતા વાર લાગતી નથી".( એજન, પૃ. 103)

ઉપરના બન્નેય મત એ વાતની જિકર કરે છે કે બોલીનો સર્જનાત્મક વિનિયોગ જ વાર્તાને નવું બળ આપે છે. આ બોલીનો સર્જનાત્મક વિનિયોગ કરનાર અનુઆધુનિક વાર્તાકારો ઘણા બધા છે. જેમકે નાઝીર મનસૂરી, મોના પાત્રાવાલા, કાનજી પટેલ, કિરીટ દૂધાત, માય ડિયર જયુ, મ.હ. પટેલ, અજિત ઠાકોર, બિપિન પટેલ, અનિલ વ્યાસ, મોહન પરમાર,દશરથ પરમાર, હરીશ મંગલમ્ વગેરે જેવા મહત્ત્વના વાર્તાકારો એ બોલીનો સર્જનાત્મક વિનિયોગ કર્યો છે.

આધુનિકોત્તર વિવેચક ભરત મહેતા ‘બોલી’ સંદભે નોંધે છે કે-"બોલી વાર્તામાં સહજ બનીને આવવી જોઈએ, દેખાડા કે શણગારના ભાગરૂપે ન આવવી જોઈએ". તો સુમન શાહ જેવા વિવેચક ‘અનુ આધુનિક ટૂંકી વાર્તામાં બોલીનો વિનિયોગ’-નામના લેખમાં બોલી- ઘટકની મહત્તા વિશે જણાવે છે કે-"એ સમજવું જરૂરી છે કે બોલી-પ્રયોગથી તમે આપણી એક વિરાટકાય વાસ્તવિકતાને ખોલી શકો છો. એ એક એવી ચિનગારી, જે મોટો વિસ્ફોટ કરી આપે. પણ પછી એ વિસ્ફોટનો સાવધાની પૂર્વક સામનો કરીને વાર્તા રચી આપનારી સર્જકતાની જરૂર તો હમેશાં રહેવાની. આપણે ચિનગારી સમજ્યા છીએ, એનો આ ઉત્તરાધ સમજવાની તૈયારી ભાગ્યેજ દેખાય છે."(લેખનું નામ –‘અનુ આધુનિક વાર્તામાં બોલી’, પુસ્તક- અનુ-આધુનિકતાવાદ અને આપણે-સુમન શાહ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્ર.આ. 2008, પૃ.45)

પરંતુ આધુનિકોત્તર વાર્તાકારો આ વિરાટકાય વાસ્તવિકતાને ખોલી શક્યા છે. આ સમયની મહત્ત્વની વાર્તામાં બોલીનો સર્જનાત્મક વિનિયોગ જોઈ શકાય છે. તેના ઉ.દા. રૂપે – સમર્થન માટે હું અહીં દલિત ચેતનાની ‘જીવ’ વાર્તા, ગ્રામ ચેતનાની ‘દીકરી’ વાર્તા, અને અરણ્ય ચેતનાની ‘ઉજાસ’ વાર્તા- વગેરે વાર્તાઓમાં બોલીનો સર્જનાત્મક વિનિયોગ થયો છે, તે તપાસવાનો મારો ઉપક્રમ છે.

‘જીવ’ વાર્તાના લેખક માય ડિયર જયુ છે. ‘જીવ’ વાર્તા સંગ્રહની આ મહત્ત્વની વાર્તા છે. વાર્તાનું વસ્તુ આ મુજબ છે. ‘જીવ’ વાર્તામાં જીબાપુ-જેસુભાના ઘરે ભાઈલુભાઈનો માંડવો છે. તેમના આંગણામાં મુત્યુ સમીપ પહોંચેલો પાડો પડ્યો છે. તે મુત્યુ પામ્યો નથી, અધમૂઓ છે. ગામના બાપુએ ભગા ચમારને પાડાને લઈ જવા જણાવ્યું છે. પણ ભગો જીવતા પાડાને લઈ જતા અચકાય છે કેમકે પોતે ‘મેલું ઢહડી’ જાય છે. અધમૂવા જીવનું શું કરવું.? તેની ચિંતા જેસુભાને પણ છે. પરંતુ હૂકમ, સત્તાથી ભગાને સવાર સુધીમાં પાડો લઈ જવાનું કહે છે. એકબાજુ ભગાનો પુત્ર રાજરોગથી- ક્ષયગ્રસ્ત પડ્યો છે. તે પણ જીવનની અંતિમ ક્ષણો પસાર કરી રહ્યો છે. ગામના ભૂવા-ગરૂડાએ મંતર ભણીને ચપટી રાખ ભગાને આપી છે. તે બીમાર છોકરાના કપાળે લગાડીને સૂર્ય ઊગે ત્યાંથી લઈને બન્નેય દંપતીએ ‘નિરજળા અપ્પા’ કરવાના છે. તે ઉપરાંત ખોટું કામ તો શું પણ ખોટો વિચારો પણ કરવાના નથી. જો આ નિયમ પાળશે તો ચોવીસ કલાકમાં પોતાનો પુત્ર સાજો થઈ જશે જેવી બાહેધરી ગરુડાએ આપી છે. ભગાએ નિર્જળાવ્રત કર્યું હોવાથી જીવતા પડાને લઈ જવાનું અધર્મ કેવી રીતે કરી શકે? એકબાજુ બાપુની ધાક અને બીજી બાજુ બીમાર પુત્ર. બંનેની વચ્ચે અટવાતો-પિસાતો ભગો. વાર્તામાં આવતા શબ્દો- ‘હજી જીવે સ’ સૂચક રીતે પ્રયોજાયો છે. છેવટે બાપુના હૂકમને વસ થઈને ભગો પાડાને ઠેકાણે પાડવા જતાં પોતે એક પત્થરમાં પાડાનો પગ ફસાય છે તેને કાઢવા માથે છે અને ફસડાઈ પડે છે. “મરેલા પાડાના મોં પર બાઝેલા ફીણ સાથે ભાગાના મોંમાંથી નીકળતા ફીણ મળી ગયા” જેવા શબ્દો ભાગાનું મૃત્યુનું સૂચન કરે છે. તેવા કરૂણ અંતથી વાર્તા પૂરી થાય છે.

વાર્તામાં નિમ્ન વર્ગનું થતું શોષણ નિરૂપાયું છે. દલિતો અને સવર્ણની સ્થિતિ તથા આ શોષણ સ્થિતિને રજૂ કરવા માટે વપરાયેલી બોલી વાર્તાને નવી ઊંચાઇ આપે છે. વાર્તાકારે પ્રયોજેલી સવર્ણો-દલિતોની બોલીના ઉદાહરણ ભગો અને જીબાપુના સંવાદોમાં જોવા મળે છે.જુઓ-
“ જેશુભા બોલ્યો, ‘ગમે તેમ, કાલ સુધીમાં તારે એનો નિકાલ લાવવો જોહે’
હવે ભગાની આંખોમાં મૂંઝારો ડોકાયો. એ કટકે કટકે બોલ્યો, ‘પણ અમીં તો મેલું ઢહડી જાઈ. માબાપ. કાઈ જીવતે જીવ તો નો લઈ જાઈ ન, બાપા !’
‘તો શું, માંડવો વખતે આને આંઈ ને આંઈ થોડો પડ્યો રહેવા દેવાશે ?’ જેસુભા અકળાયો.
‘પણ અમીં જીવતા જીવને તો નો ઉપાડીઈ ન, માબાપ !’
ભગા પાસે બીજો કોઈ જવાબ નહોતો.
‘તમે નો ઉપાડો તંયે કોણ ઉપાડે, શિવશંકર ગોર?... જેનું કામ જે કરે ....’ જેસુભાના અવાજમાં કરડાકી ભળી.
‘અમારું કામ મૂએલું લઈ જાવાનું, માબાપ.” (‘જીવ’, માય ડિયર જયુ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. 1999, પેજ નં. 40)

આ સંવાદોમાં-બોલીમાં દલિત ભાગાની લાચારી અને જીબાપુની જોહુકમી દેખાય છે. દલિત માણસનો ટોન તથા દબાયેલો અવાજ. તેની સામે જીબાપુનો અવાજ, બંને જુદા પડે છે. બોલીનો સર્જનાત્મક વિનિયોગ આ વાર્તામાં દેખાય આવે છે. કદાચ આ જ સંવેદના આટલી પ્રભાવક રીતે બોલી વિના આ વાર્તામાં વ્યકત થઈ ન હોત તેવું કહી શકાય. ભરત મહેતા આ વાર્તા વાંચ્યા પછીનો ઉમળકો રજૂ કરે છે તે જુઓ- ‘જીવ(2001) વાર્તાસંગ્રહ લઈને આવનાર માય ડિયર જયુની વાર્તામાં બોલીનું તત્વ એટલું પ્રભાવક મને લાગેલું અને મેં લખેલું "એક વાર એવું બન્યું કે મેં ‘જીવ’ વાર્તાસંગ્રહ વાંચ્યો... પણ વાંચતાં વાંચતાં થયું કે ભાઈ, ભૂલ થઈ. ‘જીવ’ વાર્તામાં કહેણીનું તત્વ એવું છે કે ‘જીવ’ જયંતિભાઈ ગોહીલે છાપી તો ભલે છાપી પણ એની કેસેટું બનાવવા જેવી હતી. થોડીક વાર્તાઓને કાળાડિબાંગ અક્ષરોમાં વાંચવાના બદલે જયંતિભાઈના અવાજમાં સાંભળવાથી જરા મોજ પડત..... બીજી વાર્તાઓમાં ‘બોલતો’ શબ્દ (SPOKEN WORD) સર્જકે સરવા કાને ઝીલી, વાર્તામાં પરોવીને, વાર્તાને શણગારવાના બદલે સહજ બનાવી છે. કેટલીક વાર બોલીના શબ્દો શણગારના, દેખાડાના ભાગરૂપે આવતા હોય છે. અહીં એવું દ્રષ્ટાંત મળતું નથી"(લેખનું નામ- ‘સમકાલીન ગુજરાતી ટૂંકી વાર્તા: કેટલાક નિરીક્ષણો’, ભરત મહેતા –‘વિવિધા સંચાર’, સપ્ટે-ફેબ્રુ.-2014, પૃ. 13)

આ ઉપરાંત વાર્તામાં પ્રયોજાયેલા શબ્દો- ‘રાજરોગ, છાલિયું, સવાદિયા, ગલઢોખખ. મંતર, ઠાકર મહારાજ, ટમટમિયું, અપ્પા, માંડવામૂરત, મેલું ઢહડી, ચાંગળું, હારું રાંઢવું જોહે, નનામી, વગેરે શબ્દો તળભાષાને-બોલીને વધુ જીવંત બનાવે છે. બોલીનો ‘જીવ’ વાર્તામાં સર્જનાત્મક વિનિયોગ કરનાર માય ડિયર જયુની અન્ય વાર્તાઓમાં પણ બોલી સૂચક રીતે વપરાઈ છે.

દલિત ચેતનાની વાર્તા પછી ગ્રામચેતનાની મહત્ત્વની વાર્તા ‘દીકરી’ વિશે વાત કરવી છે. ‘દીકરી’ વાર્તામાં પણ બોલીનો સર્જનાત્મક વિનિયોગ જોઈ શકાય છે. ‘દીકરી’ વાર્તાના લેખક જીતેન્દ્ર પટેલ છે. તેઓ ‘ભાભી’ વાર્તાથી જાણીતા બન્યા છે. આ ‘દીકરી’ વાર્તાનું વસ્તુ આ મુજબ છે.

‘દીકરી’ વાર્તાનો આરંભ પીયર ન આવતી એવી ‘સમજુ’ને તેડવા ભૂદર આવે છે ત્યાંથી થાય છે. પોતાની ‘મા’ બીમાર હતી ત્યારે વારંવાર જોવા આવતી દીકરી-સમજુને તેના ભાઈઓ બાપની સંપતિ લેવા આવે છે. તેવો ખોટો આરોપ મૂકે છે. આ વાતનું સમર્થન ભાભીઓ પણ આપે છે. માટે દીકરી-સમજુ બાપને ઘરે ‘મા’ના અવસાન પછી જવાનું બંધ કરી દે છે. પરંતુ પિતા-આદને દીકરી સમજુ પ્રત્યે અનહદ વ્હાલ છે. તે ખોટું બહાનું કહીને –‘પોતે બીમાર છે’ એવું કહીને ભૂદરને લેવા મોકલે છે. દીકરી સમજુ પુત્ર-અકુ સાથે પિતાને જોવા આવે છે. પરંતુ પિતા સાજા છે. પિતાની ઇચ્છા પોતાનું વાવડો ખેતર સમજુને આપવાની છે. સમજુ તે લેવાની ‘ના’ પાડે છે. એક બાજુ પિતાની કઈક દીકરીને આપવાની ઇચ્છાને બીજી બાજુ બાપનું ન લેવાય, તેના પર ભાઇઓના હક કહેવાય તેવું માનતી સમજુ. બન્નેય વચ્ચેનો સંઘર્ષ અને ગ્રામીણ જીવન નિરૂપાયું છે. સમજુ કઈ પણ લીધા વિના અકુ સાથે પિયરમાંથી સાસરીએ જાય છે. રસ્તામાં વાવડો ખેતરમાંથી મગફળી પણ અકુને સમજુ લેવા દેતી નથી. તે સમયના સંવાદો જુઓ-
‘ઊભા યોં બા, થોડાક મગફળીના છોડવા ઉમેરી લઉં.
-રે, રે. એકાએક બાએ મારું બાવડું પકડી લીધું.
-કાં ? મામાનું ખેતર છે. પછી શું લેવાને ના પાડો છો?
-એ તો ક્યારનું વયું ગ્યું.
-ખોટું શું બોલો છો? આ ઊભી મેં ખોડી’તી એ લાકડી. હું આ હાલ્યો.
-હકુ બટા, કીધું કેમ નથી માનતો? બાએ હડી કાઢીને વાયો જોઉં એ પહેલાં મને તેડી લીધો. જાઉં તો મગફળીના દાણા જેવાં આંસુડાં એની બેય આંખમાંથી દડદડ ટપકતાં હતાં.” (‘ગદ્યપર્વ વાર્તાસંચય : બે’, સં. ગીતા નાયક, સાહચર્ય પ્રકાશન, મુંબઈ , પ્ર.આ.-2013, પૃ. 10)

વાર્તામાં ગ્રામીણ જીવન તેના વ્યવહારો-વાર્તામાં નિરૂપાયા છે. તેને રજૂ કરવા માટે વપરાયેલી બોલી વાર્તાને વધુ સચોટ બનાવે છે- જીવંત બનાવે છે. ‘બોલી’ને કારણે ગ્રામીણ માનસિકતા પણ રજૂ થઈ છે. તો આરંભમાં સમજુ ભૂદરને કહે છે કે – ‘શેનું પી’ર’ જે આંગણેથી દીકરી રોતી જાય એને તું પી’ર કે છે?’(એજન, પૃ.3) જેવો સમજુનો પ્રશ્ન બોલીને કારણે વધુ સંસ્પર્શ લાગે છે. બાપને કઈક આપવાની ખેવના અને દીકરીને બાપુનું ન લેવાની ઇચ્છા. તેના પર ભાઈઓનો હક કહેવાઈ જેવી દીકરી સમજુની સંવેદના બોલીમાં સચોટ રીતે વ્યકત થઈ છે. પિતાની કાળજી ન લેતા પુત્રો બાપને કોની જોડે રાખવા તેના માટે ઝઘડે છે. તે સમયનો અદાનો જવાબ જુઓ- ‘મારા સારું કોઈ લડશો મા. હું ગુંડા કામ કરશે ત્યાં લગી મારી મેળે રોટલો ટીપી ખાઈશ. મારા વસ્તારને જ હું ઝાડના ઠૂંઠાની જેમ આડો આવતો હાઉ ત્યાં વહુઓનો વાંક ક્યાં કાઢવો?’(એજન,પૃ. 5) બદલાતું ગ્રામીણ જીવન –સંસ્કૃતિ આ બોલીના વિનિયોગને કારણે વાર્તામાં વધુ પ્રતીતિકર બન્યું છે.

વાર્તામાં ગ્રામીણ પરિવેશ તથા તેના વ્યવસાયો, તેના રોજિંદા વ્યવહારોની ભાષાને કારણે વધુ જીવંત લાગે છે. રૂઢિપ્રયોગ, કહેવતો, તળના શબ્દોનો સર્જનાત્મક વિનિયોગ ને કારણે આ વાર્તા જુદી પડે છે. જેમકે –‘શોગિયા મોઢે, ધૂળ પડી આ જીવતરમાં, કળશ્યો, અમારે સંધાયે કપાહ વાવ્યો છે’ વગેરે ઉ.દા. છે.

હવે અંતે અરણ્ય ચેતનાની ‘ઉજાસ’ (પ્રભુદાસ પટેલ) વાર્તામાં - બોલીનો સર્જનાત્મક વિનિયોગ વિશે જોઈએ.

‘ઉજાસ’ વાર્તા- પ્રભુદાસ પટેલની છે. વાર્તામાં અરણ્ય- વનપ્રદેશની અભણ એવી પ્રજાનું જીવન નિરૂપાયું છે. વાર્તાનાયક ધનિયો સુખી પરિવાર ધરાવે છે. ઢોર ચરાવા, લાકડા કાપવા અને માતાજીની સેવા કરવી તે ધનિયાનો નિત્યક્રમ છે. એક દિવસ જંગલમાંથી ઘરે આવતા ધનિયાને ગામની ‘ગોરી’ નામની સ્ત્રી મળે છે. તે ધનિયાને પોતાની પત્ની-સંતુ અને પોતાના ભાઈ વચ્ચેના આડાસંબંધ છે તેની જાણ કરે છે. આ વાતથી ધનિયાને ખૂબ દુખ થાય છે. તેની શંકા નવરાત્રીમાં સાથે ગરબા રમતા ભાભી-દિયરને જોવે છે અને આગ્રહ પૂર્વક સંતુ તેના ભાઈને જમાડે છે. જેવા પ્રસંગો દ્વારા વાત દ્રઢ થાય છે. ધનિયો સંતુને ધારિયાથી મારી નાખવાનો વિચાર કરે છે. પછી અંતે જાતે જ આત્મહત્યા કરવાનું વિચારે છે. આત્મહત્યા કરવા ગયેલા ધનિયાને બાપાએ કહેલી બ્રાહમાણી- બ્રાહમાજી ની વાર્તા યાદ આવે છે. તેમાં માણસ બનાવવા માટે કકરી માટી નાખી ત્યારે બ્રાહમાજીથી માણસ બને છે. માટે દરેક માણસમાં અવગુણ રહેલા છે. કોઈ સંપૂર્ણ નથી. ધનિયા ને પોતાના અને ગોરીના સંબંધ યાદ આવે છે. પોતાનામાં પણ કકરી માટી-અવગુણ છે. તે વિચારથી ધનિયો આત્મહત્યા કરવાનું ટાળી દે છે. મનુષ્યના જીવનમાં ઉજાસ ફેલાવતી પ્રભુદાસ પટેલની આ વાર્તા છે. વાર્તામાં આદિવાસી બોલી ધ્યાન પાત્ર છે. જેમકે ધનિયાને બાપાના શબ્દો યાદ આવે છે. તેમાં વપરાયેલી બોલી જુઓ.-
‘બેટા, હવહવનો ઈસાબ રાખવાવાળી ધરતી માતા બેઠી હે તે તન હૂં ચ્ંત્યા ? હવ હારાં વાનાં થાહે પણ તું જીવ ટૂંકો નિં કર. મનેખના માળામાં ઉલાળાપલાળા નિં થાય તો કૂને થાય? પણ ઝિરવે ઇંસ મનેખ !’ (ગુજરાતી નવલિકાચયન -2003, સં. દીપક રાવલ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્ર.આ. 2004, પૃ. 29)

તો ધનિયાની માનસિક સ્થિતિ રજૂ કરવામાં સર્જનાત્મક બોલીનો વિનિયોગ થયો છે તે જુઓ.-
'ભોળવાઈ ગિજજો ને પાસો? ઇંમ હે તારે! બૈરાં અગાડી હત્તાય આદમી ઇંમ સ પોણી પોણી થાય! તું બી ઈમાંનો એક ગદેડો હ કહાન ?’
ઇંમાં ગદેડા હેના વરી ! બૈરું કૈ મનેખ નિં કે’વાય કે હૂં ? ને મનેખને અસ્ત્રી-મરદ વનાની બીજી હગઈ આ નિં વોય કે હૂં ?”
‘વાહ રે વાહ ! તું તે જબરો હે હો ? ગોરીને નંતારે અસ્ત્રી –મરદ વંનાની હગાઈ અતી? ઇંવ ખબેર પડી કે ? ઇં તે ઇંમ સ વોય . વાયરો ને બૈરું બેય હરખાં લા ભોળિયા !” (એજન, પૃ.30)

તો બ્રાહમાણી –બ્રાહમાજીના સંવાદોમાં અરણ્ય પ્રદેશની બોલીનો વિનિયોગ વાર્તાને નવી ઉંચાઇ આપે છે. સુમન શાહના ખેવના-સામયિકમાં પ્રગટ થયેલ આ વાર્તાને દીપક રાવલે 2003ની ગુજરાતી નવલિકાચયનમાં સમાવેશ ક્યો છે. આ વાર્તામાં અરણ્ય પ્રદેશની બોલીથી આદિવાસી જીવન , તેના વ્યવહારો, માન્યતાઓ, તથા બાપાની વાતથી ધનિયાના જીવનમાં જે ઉજાસ આવે છે તે તમામ બાબતો બરોબર વ્યક્ત થઈ છે. વાર્તામાં બોલીનો વિનિયોગ મહત્ત્વનો રહ્યો છે.

આમ બોલીનો વિનિયોગ આ વાર્તાઓમાં જોઈ શકાય છે. ઇ.સ. 1980 પછીની વાર્તામાં બોલીના વિનિયોગ સંદર્ભે ભરત નાયક જણાવે છે તે જુઓ- ‘બોલીના પ્રાણોદ્રેકમાં રૂઢિ, લૌકિક વિધિ તેમ જ લોકમાનસ ઝિલાયાં છે. બોલચાલના લહેકા અને કાકુઓની લાક્ષણિકતા એમાં ભળી છે. સમ-વિષમ પરિસ્થિતિ અને તદ્જન્ય ગ્રામીણ પરિવેશને ઉપકારક વિગતો પણ બોલીના વૈવિધ્યમાંથી સાંપડી આવે છે. એમાંથી વનવગડા-ખોરડાં-ખેતરાં-ડુંગરા—દરિયાકાંઠા જેવા નિસર્ગદત્ત સ્થળવિશેષ નીપજી આવ્યાં છે. આંધુ, મધપૂડો, પોપડો, વ-ઝડી, જાળિયું, કોઠો, ભૂથર, ક્રિયાકાંડના અંગરૂપ , સવ્ય-અપસવ્ય વિધિ આદિ રૂપકગ્રંથીની ગૂંથણી કથનનું ધારક-પોષક બળ બની શકી છે. અભિવ્યક્તિમાં અવૈધ સંબંધ અથવા યૌન સંબંધને નૈતિક્તા કે વિધિનિષેધ નડયા નથી... એને આવકાર્ય સાહિત્યિક ઘટના લેખાવી જોઈએ.” (‘ગદ્યપર્વ વાર્તાસંચય: એક’ સં. ગીતા નાયક, સાહચર્ય પ્રકાશન, મુંબઈ પ્ર.આ.-2013, પૃ.11-12) આધુનિકોત્તર સમયમાં બોલીનો સર્જનાત્મક વિનિયોગ થયો છે. બોલી એ મહત્ત્વનું લક્ષણ છે. “Parishkruti(nativism) in the post-modern Gujarati Short story -Ajit thakor(Nativism: Essay in criticism),p.215”નામના લેખમાં તેમને પરિષ્કૃતિ અને દેશીવાદની ચર્ચા કરતાં જણાવ્યું છે કે ‘ભણાવેલો શબ્દ’ કરતાં ‘બોલેલો શબ્દ’ વધુ વપરાયો છે. જેવી બાબત પણ બોલીના વિનિયોગને ચીંધે છે.

*************************************

સંદર્ભ –

(1)‘ગદ્યપર્વ વાર્તાસંચય: એક’ સં. ગીતા નાયક, સાહચર્ય પ્રકાશન, મુંબઈ, પ્ર.આ.-2013
(2)ગુજરાતી નવલિકાચયન-2003, સં. દીપક રાવલ, પ્રકાશન-ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ પ્ર.આ.-2004
(3) ‘ગદ્યપર્વ વાર્તાસંચય : બે’, સં. ગીતા નાયક, સાહચર્ય પ્રકાશન, મુંબઈ , પ્ર.આ.-2013
(4) લેખનું નામ- ‘સમકાલીન ગુજરાતી ટૂંકી વાર્તા: કેટલાક નિરીક્ષણો’, ભરત મહેતા –‘વિવિધા સંચાર’, સપ્ટે-ફેબ્રુ.-2014, પૃ. 13)
(5) વાર્તારોહણ, મોહન પરમાર, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. જાન્યુઆરી-2005
(6) અનુઆધુનિક સંજ્ઞા-સં.જયંત ગાડીત અને અન્ય, પ્રકાશન –સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, પ્ર.આ. 1999
(7)લેખનું નામ –‘અનુ આધુનિક વાર્તામાં બોલી’, પુસ્તક- અનુ-આધુનિકતાવાદ અને આપણે-સુમન શાહ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્ર.આ. 2008,

*************************************

નીતિન રાઠોડ
આસિસ્ટન્ટ પ્રોફેસર,ગુજરાતી વિભાગ, સીલવાસા ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયર લર્નિંગ,
નરોલી-396235- સિલવાસા, યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી
મો. 9879779580, Email- ngr12687@gmail.com