આસ્વાદ-સમીક્ષાલેખ

અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ગ્રામસમાજદર્શન નિરુપતાં સર્જકો

સાહિત્ય અને સમાજ વચ્ચે અભિન્ન સંબધ છે. સાહિત્ય સમાજની પીઠિકા પર જ રચાય છે, સમાજનું પ્રતિબિંબ સાહિત્યમાં આલેખાય છે સર્જક સમાજની યથાતથ નિરુપતો નથી પરંતુ સર્જ્ક પોતાની આગવી સર્ગશક્તિ દ્વારા સામાજિક ઘટના-વસ્તુ-વિષય પાત્રોનું અનુસર્જન કરે છે.

સૌ પ્રથમ ગામ, ગ્રામચેતના, અને સાહિત્યમાં ગ્રામસમાજ્ના નિરુપણ અંગે સમજૂતી મેળવીએ.
સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘ગામ’ અને ‘ગ્રામ્ય’નો અર્થ નીચે પ્રમાણે આપ્યો છે.
‘’માણસના વસવાટનું સ્થળ (બહુધા શહેરથી નાના પાયા પરનુ )
‘’ગ્રામ્ય-ગામડિયું ગામડાને લગતુ‘’
“જાનપદ ‘’જનપદ સંબંધી વસ્તુ “
મનુષ્ય,લોકમાત્ર, દેશ
પાટનગર સિવાયનો રાજ્યનો બાકીનો મુલક
રાજદાની સિવાયના દેશનો રહેવાસી –ગામડિયો ગામડાને લગતુ’’

આ રીતે જાનપદી એટલે ગ્રામીણ ગ્રામપ્રદેશ ને લગતું –એ અર્થ સાંકેતિક થાય છે એ પરથી ગ્રામીણ પ્રદેશના જનજીવનની યથાતથ વિભાવનાને અધિક પ્રકાશિત કરવામા સહાયક નીવડે તેમ છે .ગુજરાતી પ્રાદેશિક કથાસહિત્યમા મુખ્યત્વે ગ્રામીણ પ્રદેશવિશેષનું જ નિરુપણ થયું છે.

ગુજરાતી ટુંકીવાર્તામાં ગ્રામચેતનાની વાત કરીએ તો સૌ પ્રથમ તો ટુંકીવાર્તા એ પરદેશી પાન છે.પરંતુ આજની ગુજરાતી ટુંકીવાર્તા ને જોતા સતત એવું લાગ્યા કરે છે કે ગુજરાતી ટુંકીવાર્તા આપણી પોતીકી જ છે. પરદેશી હોય એવું ક્યારેય અનુભવાતું નથી મલયાનિલથી શરુ થયેલી વાર્તા સાહિત્યના અનેક તબક્કાઓમાંથી પસાર થઇ ને આજે પ્રગતિના ઉચ્ચતમ શિખરે પહોચ્યું છે.

ધૂમકેતુ, દ્વિરેફ, મેઘાણી, પન્નાલાલ, ઉમાશંકર, સુન્દરમ્, ચૂનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, જયંત ખત્રી, જયંતિ દલાલ, સુરેશ જોશી, ચંદ્રકાન્ત બક્ષી, કિશોર જાદવ, મધુરાય જેવા સર્જકો આ સ્વરૂપને મળ્યા છે. ધૂમકેતુ, મેઘાણી, ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ, મડિયા, ઉમાશંકર જેવા સર્જકોની નવલિકા પરંપરાગત રીતે આગળ વધતી જાવા મળે છે. તો વળી જયંતિ દલાલ અને જયંત ખત્રી જેવા સર્જકોમાં વાર્તાનું વહેણ બદલાય છે. આ પહેલાં રા.વિ. પાઠક જેવા સર્જકની વાર્તાઓમાં ધૂમકેતુના ભાવનાવાદનો વિલય થતો જોવા મળેલો, તો વળી મેઘાણી, પન્નાલાલ અને મડિયા જેવા સર્જકોએ ગ્રામચેતનાને લગતી નવલિકાઓ આપી ગુજરાતના ગામડાઓને કથા સાહિત્ય સુધી લાવવાનો યશ પ્રાપ્ત કર્યો.

ધૂમકેતુની ટૂંકી વાર્તાઓને મલયાનિલ, ધનસુખલાલ મહેતા અને કનૈયાલાલ મુનશી પછી ગુજરાતી ટૂંકી વાર્તાના સાહિત્યનું પહેલું સંકોચભેદક બળ ગણી શકાય. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તાની પ્રમાણમાં સીમિત સૃષ્ટિમાં મોટે ભાગે શહેરના શિક્ષિત સમાજનું જીવન આલેખતું હતું. તો ધૂમકેતુમાં ગ્રામસમાજનું આલેખન શહેરી જીવન સાથે આલેખાવા લાગ્યું. ધૂમકેતુ પાસેથી ‘તણખામંડળ’ના ચારભાગ, ‘અવશેષ’, ‘પ્રદીપ’, ‘મલ્લિકા અને બીજી વાતો’, ‘છેલ્લો ઝબકારો’ અને અન્ય વાર્તાસંગ્રહો મળીને લગભગ 25 જેટલા વાર્તાસંગ્રહો મળે છે. ધૂમકેતુની ટૂંકી વાર્તાઓનાં પાત્રો જે પછાત અને દરિદ્ર માનવસમાજનો એમને પ્રત્યક્ષ પરિચય છે. એમાંથી ઘણી વાર આવતાં હોય છે. એમની ઘણી વાર્તાઓ ગામડાની ભૂમિકામાંથી સરજાઈ હોય છે. રશિયાની 1917ની ક્રાન્તિ અને ગાંધીજીની દરિદ્રનારાયણની તેમ જ ગ્રામાભિમુખતાની ભાવના ગુજરાતી લેખકોમાં દલિતપ્રેમ તથા ગ્રામપ્રીતિ પ્રેરવામાં કેટલેક અંશે નિમિત્તભૂત બની એ પહેલાંય જીવનના સાવ નીચલા કહી શકાય એવા સ્તરના પ્રત્યક્ષ સંપર્કને કારણે સર્જક ધૂમકેતુમાં સચ્ચાઈ ભરેલ દીનજનવાત્સલ્ય અને ગ્રામપ્રીતિ સ્ફૂરતાં અનુભવી શકાય છે.

ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની ગ્રામચેતનાને આલેખી છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનું મુખ્ય અર્પણ ‘મેઘાણીની નવલિકાઓ’ના બે ખંડ તેમજ ‘વિલોપન’માંની 62 વાર્તાઓ છે. મેઘાણીની કેટલીક વાર્તાઓના કેન્દ્રમાં સીધું સમાજદર્શન રહેલું છે. ‘મંછાની સુવાવડ’ અને ‘કેશુના બાપનું કારજ’ ચીલેલાચુ સામાજિક કુરિવાજોનો ભોગ બનેલા પાત્રોની અને ‘અનંતની બહેન’, ‘લાડકો રંડાપો’ અને ‘લોકાચારના દાનવ સામે’ કુરિવાજોનો દૃઢ મનોબળથી સામનો કરનારાં પાત્રોની વાર્તાઓ છે. આ વાર્તાઓમાં કુરિવાજોના દૃઢ મનોબળથી સામનો કરનારાં પાત્રોની વાર્તાઓ છે. ‘કાનજી શેઠનું કાંધુ’ અને ‘ઠાકર લેખાં લેશે’ સમાજનાં સ્થાપિત હિતો દ્વારા થતા શોષણને વિષય બનાવે છે. ગાંધીયુગમાં કહેવાતા સમાજસુધારકોનો એક વર્ગ ઊભો થયો હતો. મેઘાણીએ આવા સુધારકોને કટાક્ષની નજરે જોયા છે.

સુરેશ જોષીની આધુનિક વાર્તાકળાની હિમાયત બાદ કેટલાક નવીન પ્રયોગો થયા. તેમાં ગ્રામચેતના લગભગ લુપ્ત થઈ ગઈ. તેમાં વસ્તુ કરતાં રૂપવિધાન વિશેષ મહત્ત્વનું બની ગયું હતું.

આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા પછી ટૂંકી વાર્તામાં જે નવીન યુગ આવ્યો તે છે, આધુનિકોત્તર ગુજરાતી ટૂંકી વાર્તા, અને તેના પ્રથમ હિમાયતી બને હિમાંશી શેલત. વાર્તામાં સર્જક પોતાની આજુબાજુની સૃષ્ટિને પોતાની રચનાઓમાં ઉતારવા લાગ્યા. તો વળી મોહન પરમાર, મણિલાલ હ. પટેલ, રમેશ દવે, કિરીત દૂધાત, અનિલ વ્યાસ, બિપિન પટેલ, માય ડિયર જયુ, ધરમાભાઈ શ્રીમાળી, જોસેફ મેકવાન, રામચંદ્ર પટેલ ગ્રામચેતનાને આલેખતા સર્જકો આ યુગમાં મળ્યા છે.

હિમાંશી શેલત પાસેથી ‘અન્તરાલ’, ‘અંધારી ગલીમા સફેદ ટપકાં’, ‘એ લોકો’, ‘સાંજનો સમય’ જેવા વાર્તાસંગ્રહોમાં નારીચેતના અને સમાજના વિવિધ ક્ષેત્રો આલેખાયા છે. ગ્રામચેતનાની કેટલીક વાર્તા પણ જોવા મળે છે. મોહન પરમાર આ ગાળામાં ગ્રામચેતનાની કેટલીક માતબર વાર્તાઓ લઈને આવે છે. મોહન પરમાર ‘કોલાહલ’, ‘નકલંક’, ‘કુંભી’ જેવા વાર્તાસંગ્રહોમાં દલિતચેતના અને ગ્રામસમાજનું આલેખન કરે છે. મણિલાલ પટેલ ‘રાતવાસો’, ‘હેલી’ અને ‘બાપાનો છેલ્લો કાગળ’ લઈને વાર્તાસંગ્રહો આપે છે. મણિલાલની વાર્તાઓમાં ઘટના પ્રસંગોને કલા સ્વરૂપ મળે છે. તેઓ બદલાયેલા તળપદને -‘ગ્રામજીવનને’- સમકાલીન જીવન સમસ્યાઓથી રજૂ કરે છે.

આ સમયના એક મહત્ત્વના વાર્તાસર્જક તરીકે અને ગ્રામચેતનાને આલેખનારા સર્જક કિરીટ દૂધાત છે. કિરીટ દૂધાતે ‘બાપાની પીપર’માં અગિયાર વાર્તા આપે છે. તેમની મોટાભાગાની વાર્તાઓ વાર્તાઓમાં તેઓ તળપદને આલેખે છે. અને આ તળપ્રદેશ બહુધા અમરેલી જિલ્લાનો ગ્રામ પ્રદેશ છે. તેમની વાર્તાઓનો મુખ્ય નાયક કાળુ જ હોય છે, અને આ કાળુનો એ મોસાળનો પ્રદેશ છે. આ તળપ્રદેશમાં જીવતી પ્રજાની જીવન ચેતનાથી આ વાર્તાઓ એકદમ જીવંત બનવા પામી છે.

આ ઉપરાંત સુમન શાહની ‘જામફળિયામાં છોકરી’ વાર્તા તળપ્રદેશને આલેખતી વાર્તા છે. વીનેશ અંતાણીની ‘ફૂંકણી’, ‘કરસનભૈનો ઓયડો; અજીત ઠાકોરની ‘માવઠું’, બિપિન પટેલની ‘કરિયાવર’, ‘હોળી’, હર્ષદ ત્રિવેદીની ‘અપૈયો’, અઝીઝ ટંકારવીની ‘સનદ વગરનો આંબો’ વગેરે આ સંદર્ભે તપાસવા જેવી વાર્તાઓ છે. જોસેફ મેકવાન ‘સાધનાની આરાધના’, ‘આગળો’ વગેરે વાર્તા સંગ્રહો આપે છે. અહીં દલિતચેતના અને ગ્રામચેતના એક સાથે આલેખાયા છે.

માય ડિયર જયુ આ યુગના ગ્રામચેતનાને આલેખતા નોંધપાત્ર વાર્તાકાર છે. તેમણે ‘થોડાં ઓઠાં’, ‘જીવ’ અને ‘મને ટાણાં લઈ જાવ’ જેવા વાર્તાસગ્રહો લઈને આવે છે. આ વાર્તાસંગ્રહની વાર્તામાં સૌરાષ્ટ્રનાં ગામડાંનો ધબકાર છે. તેમની ‘જીવ’, ‘છકડો’, ‘ડારવિનનો પિતરાઈ’ વગેરે વાર્તાઓ ગ્રામચેતનાને ઉજાગર કરે છે.‘છકડો’ વાર્તામાં છકડો એ ગુજરાતની ગ્રામ્યસંસ્કૃતિનું પ્રતીક બનીને આવે છે. આ ઉપરાંત ધરમાભાઈ શ્રીમાળી, રમેશ દવે, જિતેન્દ્ર પટેલ, કંદર્પ દેસાઈ પાસેથી ગ્રામચેતનાની કેટલીક વાર્તાઓ મળે છે.

આમ, સાહિત્ય અને સમાજ વચ્ચે અવિનાભાવિ સંબંધ છે. સમાજ વગર સાહિત્ય અને સાહિત્ય વગરનો સમાજ આપણે ક્યારેય કલ્પી શકતા નથી. સાહિત્યકાર સમાજનું પ્રતિબિંબ સાહિત્યમાં આલેખે છે. સર્જક અહીં યથાતથ સમાજ નહિં, પરંતુ સમાજનો પડછાયો, એકાદ અંશ પોતાની સર્ગશક્તિ દ્વારા આલેખે છે. જ્યાં આપણને અંશમાં સમગ્રનો અનુભવ કરાવે છે.

*************************************

પ્રા. વર્ષાબેન એન. ચૌધરી
સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ