આસ્વાદ-સમીક્ષાલેખ

પશ્ચિમનાં નારીવાદનો અનુઆધુનિક ગુજરાતી વાર્તા પર પ્રભાવ

(પ્રતિનિધિ ત્રણ વાર્તાઓને આધારે)

પૂર્વમાં કે પશ્ચિમમાં સમાજ પ્રાયઃ પુરુષશાસિત રહ્યો છે, પુરુષના ‘હદય’ પર ભલે કોઈ નારીનું શાસન ચાલતું હશે, પણ પિતૃસત્તાક સમાજમાં નારીનું સ્થાનક ધર છે, પરિવાર છે. જનની બનીને વંશવેલો વધારવાનો છે. ભારતીય સંસ્કૃતિમાં કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજયેષુ માતા, શયનેષુ રંભા- એમ કહી નારીના વિવિધ રૂપોની પ્રસંશા કરવામાં આવી છે, પણ નારીનો પોતાનો અવાજ મનુષ્યસમાજે હંમેશા ઓછો જ સાંભળ્યો છે. પુરુષશાસિત સમાજમાં આદર્શ નારી માટે પુરસ્કૃત મૂલ્યો પણ પુરુષોએ જ સ્થાપિત કર્યા છે, અને નારી સમાજે તે સ્વીકારેલાં પણ છે. અથવા તો એ રીતે નારીસમાજનું ચિત્ત ઘડાતુ રહ્યું છે. ભારતીય સમાજે ‘પ્રતિવતા’ કે ‘સતિ’ જેવી સંજ્ઞાઓ ઘડી આપી એનું બહુમાન કર્યુ એવું કહેવાય છે, પણ વાસ્તવમાં એને તો વસ્તુ રૂપે જ માની છે. ક્યારેય એના પ્રશ્ર્નને વાચા આપી નથી. સતત પુરુષ સમાજ તરફથી એને અન્યાય થતો રહ્યો છે. આ શોષણ અને અન્યાય સામે જાગૃતિ લાવવાનું કામ પશ્ચિમમાં અને પૂર્વમાં નારીવાદે કર્યુ છે. આધુનિક સમય પછી (ઇ.સ. ૧૯૮૦ પછી) ગુજરાતી સાહિત્યમાં નવા પ્રવાહો- નવી વિચારધારાઓ- વાદો અસ્તિત્વમાં આવ્યાં. તેમાં નારીવાદ, દલિતવાદ, દેશીવાદ મુખ્ય છે. આમાંથી નારીવાદ અને અનો અનુઆધુનિક ગુજરાતી પ્રતિનિધિ વાર્તા પર પ્રભાવ વિશે વાત કરું.

‘નારીવાદ’ સંજ્ઞા સૌપ્રથમ પાશ્ચાત્ય સાહિત્યમાં પ્રયોજાઈ છે. ‘Feminine’, ‘Feminist’, ‘Female’ એમ વિવિધ બાબતોમાંથી નારીવાદી સંજ્ઞા ઉદભવ પામી છે. પશ્ચિમમાં સોલેટર, વર્જિનિયા વુલ્ફ, ગેર્લ ઓમવરે, કેરોલીન હેલબ્રેન વગેરે વિચારકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ગુજરાતીમાં આ વિચારધારા ઇ.સ.૧૯૮૦ પછી પ્રયોજાય છે. આ સંજ્ઞા માટે કહેવાયું છે કે – ‘‘ ‘નારીવાદ’ એ પિતૃસતાક સંસ્કૃતિમાં સ્ત્રીના થયેલા શોષણની સામે વિદ્ધોહમૂલક અભિગમ મૂલવે છે.’’ શરીફા વીજળીવાળાએ આ વાદને સમજાવતા નોંધુ છે કે – ‘‘ મને લાગે છે સ્ત્રી અને પુરુષ કોઈના પણ હાથે લખાયેલી કૃતિ કહી શકીએ.’’ (પૃ. ૧૭, કંકાવટી, મે, ૨૦૦૦) નારીવાદી અભિગમ વિશેનો એમનો મત આ વિભાવનાને ખાસી સમજાવી આપે છે. મણિલાલ હ. પટેલ નારીવાદી કૃતિ કોને કહેવાય એ અંગે દીવા જેવી વાત સ્પષ્ટ કરી આપે છે જુઓ –
• નારી સંવેદના કેન્દ્રમાં હોય.
• નારી જીવનની સમસ્યા કેન્દ્રમાં હોય.
• શોષણ સામે પ્રગટતો વિદ્રોહ કેન્દ્રમાં હોય.
• પોતાના નિજ તત્વ માટે નારી ઝૂઝતી હોય.
• વેઠવા છતા હાર નહિ સ્વીકારતી નારી હોય.
• ‘વુમન’ તરીકે નહિ પણ ‘હ્યુમન’ તરીકે ઓળખાવા માટે ઝઝૂમતી નારી હોય.
• પુરુષ કે સ્ત્રી કોઈપણ દ્નારા લખાયેલી હોય પણ સહજ રચના બની આવતી હોય તો આવી વાર્તાઓ નારીવાદી વાર્તા તરીકે ઓળખવામાં આવે છે.

નારીવાદી ચળવળનો ઉદભવ સૌપ્રથમ પશ્ચિમમાં થયો હતો. એનો પ્રથમ સૂર ઇબ્સનના ‘ઢીંગલી ઘર’ નાટકમાં સંભળાય છે. ગૃહત્યાગ માટે ઉંબર બહાર ડગ મૂકવા જતી નોરાને એનો પતિ હેલ્મર અનેક રીતે રોકવા મથે છે. છેવટે એને પત્નિ, માતા તરીકેના કર્તવ્યની યાદ અપાવે છે, ત્યારે નોરા કહે છે –
‘‘ મારી બીજી ફરજો પણ છે.
કઈ ?
મારી જાતપ્રત્યેની ’’ (પૃ. ૬, શબ્દસૃષ્ટિ, સં.અંક. ૨૦૩-૨૩૧, ૨૦૦૨)

ઇબ્સને નોરાને મુખે જે વાત કહેડાવી છે. ત્યાંથી નારીવાદના પગરવ સંભળાય છે. ગુજરાતી સાહિત્યમાં આવી બદલાયેલી નારી જ્યંતિ દલાલની ‘આ ધેર પેલે ધેર’ વાર્તામાં દેખાય છે. સવિતા પોતાના પતિ પુલિનનું ઘર ઘર છોડીને જાય છે ત્યાથી નારીવાદનો પગરવ સંભળાય છે.

પશ્ચિમમાં નારીવાદની સમૃદ્ધ પરંપરા છે તેને શરીફા વીજળીવાળા ત્રણ તબક્કામાં જૂએ છે. એ મુજબ જોઈએ.

૧. પ્રથમ તબક્કોઃ ૧૯૨૦-૧૯૪૯ (અનુકરણ)

પશ્ચિમમાં નારીવાદનો આ પ્રથમ તબક્કો વર્જિનિયા વુલ્ફના ‘A Room Of one’s owe’માં વ્યકત થયેલા વિચારોથી દોરવાયેલો છે. જેમાં સ્ત્રીની પોતાની આવક અને પોતાનો ઓરડો હોવો જોઈએ. જેમાં તે મુકત રીતે રહી શકે, વિચારી શકે એ વાત પર ભાર મુકાયો છે. એમણે સ્ત્રીને પુરુષ જેવા થવાની વાત નથી કરી પરંતુ તેને ગુલામીમાંથી-શોષણમાંથી મુક્ત થવાની વાત કરી છે.
આ ગાળામાં પ્રગટ થયેલું સિમોન દ. બુવાનું ‘The Second Sex’ નામના પુસ્તકે નારીવાદી વિચારધારાને મહત્વનો વળાંક આપ્યો છે.

૨. બીજો તબક્કોઃ ૧૯૬૦-૧૯૭૫ (વિદ્રોહ)

આ ગાળો વિદ્રોહનો છે. આ ગાળામાં સિમોન દ. બુવાના વિચારનો પ્રભાવ જોવા મળે છે. એમણે સ્ત્રી-પુરુષ સમાનતાના સિધ્ધાંતની વાત કરી. એમનો એક વિચાર ચોકાવનારો બન્યો કે આપણે સ્ત્રી તરીકે જન્મ લેતા નથી પણ સમાજ આપણને સ્ત્રી તરીકે ધડે છે. ઇ.સ.૧૯૫૦-૬૦ સુધીમાં જે સમાનતાની વાત હતી એ વિરોધમાં બદલાઈ ગઈ. સ્ત્રીઓએ વિદ્રહો કર્યો. માતૃત્વનો ઇન્કાર, બંધનના પ્રતીકસમા સ્ત્રીના અંતઃવસ્ત્રો ‘બ્રા’ની જાહેરમાં હોળી કરી વગેરે વગેરે...
અંતે આ તબક્કો ‘વલગર’ બન્યો અને વગોવાયો વધુ. પણ પરિણામ કશું ન મળ્યું. નારીવાદને સમજ્યા વગર લોકોએ એના નામ પર ચોકડી મારી દીધી.

૩.ત્રીજો તબક્કોઃ ૧૯૮૦ પછીથી.... (આત્મઓળખ)

આ સમયમાં નારીવાદી વિચારણા સ્વકેન્દ્રી બને છે. આ ગાળામાં સ્ત્રીના આંતરમનને સમજવાની કોશિશ થઈ છે. સ્ત્રીની પોતાની અલગ ‘ભાષા’ અને ‘સ્ત્રીનુંવિવેચન’ની પણ હિમાયત થઈ છે. આ તબક્કામાં તેને દેવી-દાસી તરીકે નહિ પણ એક મનુષ્ય – એક વ્યક્તિ તરીકેની ઓળખની વાત કેન્દ્રમાં છે. ‘વુમન’ નહિ પણ ‘હ્યુમન’ની સંવેદના અહીં છે.
પશ્ચિમના નારીવાદ પરથી જ ભારતમાં નારીવાદનો ઉદ્રભવ થયો છે પણ વિચારધારાની બાબતમાં ભારતીય નારીવાદ પશ્ચિમના નારીવાદી ચળવળ કરતાં જુદો છે. પશ્ચિમના દેશોમાં ૧૯મી સદીના ત્રીજા દાયકાથી આ લડત શિક્ષણ, મુક્તિ, મતાધિકાર, મિલ્કત વગેરે મુદ્દામાં ચાલેલી. જ્યારે ભારતમાં કુરિવાજો સામે લડવું તે પાયાની જરૂરિયાત હતી. વિધવા પુનર્વિવાહ, બાળલગ્ન, સતીપ્રથા, દહેજપ્રથા જેવી બાબતો આપણે ત્યાં આગવા અલગ મોરચાની જરૂર હતી જે નારીવાદે શરૂ કરી. ભારતમાં નારીમુક્તિના પ્રયાસો રાજારામ મોહનરાય, જસ્ટિસ રાનડે, મહાત્મા ગાંધી જેવા પુરુષો દ્રારા જ થયા હતા. ભારતમાં નારીવાદના તબક્કા ટૂંકમાં આ મુજબ જોઈ શકાઈ.

૧. પ્રથમ તબક્કોઃ

ઇ.સ.૧૮૩૦-૧૯૪૭ સુધીના આઝાદીપૂર્વેની પરિસ્થિતીને શરીફાબેન વીજળીવાળાએ બે વિભાગમાં વિભાજન કરેલ છે. (અ) ૧૮૩૦-૧૯૨૦ અને (બ) ૧૯૨૦-૧૯૪૭. પ્રથમ ગાળામાં સમાજસુધારાના પ્રયત્નો થયા. સતીપ્રથા, વિધવા વિવાહની હિમાયત થવા લાગી. સાહિત્યમાં પણ સ્ત્રીની સંવેદનાઓ-સમસ્યાઓ તારસ્વરે રજૂ થઈ. આ ગાળામાં નારીને આદર્શરૂપ, પતિપરાયણ અને ગુણીયલ હોવી જોઈએ એવા નિયમો બનાવવામાં આવ્યા. છતાં સ્ત્રી મૂંગા મોઢે સહન કરતી રહી. બીજા સમયગાળામાં વિવિધ સંસ્થાઓનો વિકાસ થયો. સ્ત્રી સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં. ‘સુંદરીસુબોધ’ અને ‘સ્ત્રીમિત્ર’ જેવા સામયિકો શરૂ થયા. સ્ત્રી લખતી થઈ. એના આંદોલનો થયા. આઝાદીની લડતમાં ભાગ લીધો. પણ આ બધુ જ ઉપલા વર્ગની સ્ત્રીઓ પુરતું જ સિમિત રહ્યું. વિકાસ, શિક્ષણ, ચિંતન જેવી બાબતો પર વિચારતી થયેલી સ્ત્રી ભારતીય સંસ્કૃતિના આદર્શને છોડી શકતી નથી.

૨. બીજો તબક્કોઃ

આ સમયગાળો ‘SILENT TWENTIES’ તરીકે ઓળખાય છે. સ્ત્રી-પુરુષ સમાનતાના સિધ્ધાંતને કાયદાકીય સ્વીકૃતિ મળી. સ્ત્રીઓ મહત્વના હોદ્દાઓ પર સ્થાન પામી. પરિણામે સ્ત્રીઓમાં જાગૃત્તા આવી. પહેલા કરતાં થોડી સ્થિતિ સુધરી હતી. પણ આગળ જતા ખ્યાલ આવ્યો કે બંધારણે આપેલી સમાનતા માત્ર કાગળ પર જ હતી. સ્ત્રીઓની હાલત તો એવીને એવી જ હતી. આ તબક્કામાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે થોડી સ્ત્રીઓને માત્ર હોદ્દો મળી જવાથી સમગ્ર સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો આવી જતો નથી.

૩.ત્રીજો તબક્કોઃ

આ તબક્કામાં અનેક પ્રશ્ર્નો ઉઠાવાયા. સ્ત્રી પર થતા બળાત્કાર, વેશ્યા વ્યવસાય, ગર્ભપાત, છેડતી, બાળલગ્ન થતા અટકાવવા વગેરે પ્રશ્ર્ન પર ધ્યાન કાયદાથી અપાયું. સ્ત્રીઓની સામાજિક, આર્થિક સ્થિતિ સુધારવા માટેના કાયદા ધડાયા. સમગ્ર આંદોલનનો હેતુ સ્ત્રીનો વ્યક્તિ તરીકે સ્વીકાર થાય, એ સ્વતંત્ર રીતે જીવન જીવે એ જ હતો.

આજે ૨૦૧૫ની કરીએ તો પણ સ્ત્રીની સ્થિતિમાં સંપૂર્ણ પણે સુધારો થઈ ગયો નથી. આજે પણ સ્ત્રીની સમસ્યાઓ – પ્રશ્ર્નોનું સમાધાન થવું બાકી છે. પરંતુ એ વાત નોંધવી પડશે કે સ્ત્રીનું જાહેરના સ્થળે, અભ્યાસના સ્થળે તેનું રક્ષણ જરૂર થયું છે. તથા સ્ત્રીશિક્ષણના દરમાં પણ વધારો થયો છે પણ એના નિજી જીવનમાં ધણો સુધારો બાકી છે.

આમ, નારીવાદ હાલ સુધી જુદી-જુદી રીતે વિકસ્યો છે. તેના પાયામાં સ્ત્રીની સ્થિતિ સુધરે, તેના નિજી વ્યક્તિત્વનો વિકાસ થાય, સમાજમાં તેનું સ્થાન ઊંચું આવે અને તેનો વ્યક્તિ તરીકે સ્વીકાર થાય- આવા અનેક અભિગમો આ વિચારધારાની પાછળ જોવા મળે છે.
(નોંધઃ પશ્ચિમમાં અને ભારતમાં નારીવાદનો વિકાસ માટેની આધારભૂત માહિતી ‘શતરૂપા’ સં. શરીફા વીજળીવીળાના પુસ્તકમાંથી લીધી છે.)

ગુજરાતી સાહિત્યમાં નારીવાદનો સૌથી વધુ પ્રભાવ વાર્તા સાહિત્ય પર પડયો છે. નારીના પ્રશ્ર્નો, સંવેદના, શોષણ-અન્યાય, વગેરેને રજૂ કરતી વાર્તાઓ આ ગાળામાં પુરુષ-સ્ત્રી સર્જકો પાસેથી મળી આવી આવે છે. એમાં હરીશ નાગ્રેચાની ‘કૂબો’, મણિલાલ હ.પટેલની ‘મગન સોમાની આશા’ અને હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તાને આધારે આ વાતને સમજીએ.

હરીશ નાગ્રેચાની ‘કૂબો’વાર્તા વર્જિનિયા વુલ્ફની સ્ત્રી-પુરુષ સમાનતાની વાતને ચરિતાર્થ કરે છે. સ્ત્રી આખી જિંદગી ઘર માટે ખરચી નાખે, જીવનભરની કમાણી ‘પોતાનું’ ઘર બનાવવા વાપરી નાખે, તોય એ જ ઘરમાં પોતાની સહેલી કે જેના સહકાર વિના એમના લગ્ન શકય ન થયા હોત એવી નિયતિને અણીના સમયે આવકારવા કે રાખવા માટે એણે પતિની મરજી જાણવી પડે, મંજૂરી મેળવવી પડે પણ પોતાના મિત્રને આવકારવા કે રાખવા માટે પતિએ પત્નીની મંજૂરી લેવાની જરૂર નથી પડતી તો એ ઘર એનું ‘પોતાનું’ કઈ રીતે કહેવાય ? વખાની મારી આવી ચડેલી અંગત મિત્રને હા પાડતી કુંજને ‘ખરી છે તું, નિને ધરે બોલાવે છે ને હું સામે ઉભો છું તોયે તું તો પૂછતીય નથી મને, કેમ ?’ એવો પતિનો હુકાર કુંજને અસ્વસ્થ કરી મૂકે છે. પતિના હુંકાર અને ગુસ્સા સામે કંઈ ન બોલી શકતી કુંજને નિરાધારતાની નાલેશી સ્તબ્ધ કરી મૂકે છે. હૂંફાળા સહિયારા કુબાની એની ભ્રમણાઓ ભાંગી ગઈ. પતિને પૂછયા વગર પોતે કોઈને એક રાત પણ આવકારી ન શકે એ સભાનતાનું પણ શું ? કુંજને છેક આટલા વર્ષે પોતાની બાનું ‘પૂછી જોઈશ તારા બાપુને’ સમજાય છે. આ પ્રશ્ર્ન કુંજની માંનો હતો, કુંજનો છે. અને આવતી કાલે કુંજની દીકરીને પણ નડવાનો જ છે. એટલે જ વાર્તાન્તે તે વિચારે છે કે, -
‘‘નહીં વાપરું... એક પૈસો સૌમ્યના લગ્નપ્રસંગે નહીં વાપરું ન સાડી-સેલા માટે, ન ધરેણા માટે, ન વાડી-મંડપ કે ભોજન સમારંભ માટે, સાચવીશ રૂપિયે-રૂપિયો ધર માટે, સૌમ્યાના પોતાના નામના ધર માટે, જયાં કચવાતા જીવે એણે કોઈની રજા માગવી ન પડે’’ (શતરૂપા, પૃ- ૧૯૯)

આમ, આ વાર્તા સ્ત્રી-પુરુષના સમાનતાના ધરની વાત કરે છે. પોતાના ઘરની બહાર ભલે સરસ અક્ષરે ‘કુંજવિરમનો કુબો’ એવું પાટીયું લગાવ્યું હોય પણ આજે એને સમજાય છે કે ધર તો ખાલી વિરમનું જ છે. કુંજનું કયાં ? ત્યાં તો પતિનો અધીકાર ભાવ છે. એ પ્રશ્ર્ને વાચા આપી છે. વાર્તામાં નિરૂપાયેલી આ સમસ્યા જરાય નવી નથી. આજે સુધરેલા સમાજ અને બદલાયેલા મૂલ્યો વચ્યે પણ આ સમસ્યા તો એવીને એવી જ છે.

નારીવાદના બીજા તબક્કામાં જે વિદ્રોહનો સૂર જોવા મળે છે. એવો વિદ્રોહનો સૂર મણિલાલ હ.પટેલની ‘મગન સોમાની આશા’ વાર્તામાં જોવા મળે છે. આ વાર્તામાં પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી ને પરિણામે વિદ્રોહ કરતી નારીની વાત રજૂ કરી છે. બાપે પૈસા લઈને આશાને બુધ્ધિના બળદિયા જેવા કદરૂપા મનહર સાથે વરારી. ધર, વહેવાર, વડીલો બધાને સાચવતી આશાને હજુ સંતાનની આશા અધૂરી છે. કેમ કે એણે પતિને મનથી સ્વીકાર્યો નથી. એણે તો લગ્નની રાતે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે,-
‘‘હું તમારી વહું ને તમે મારા ધણી ખરાં, દુનિયાના ન્યાયે. હું તમારા ધરકામ ને વટવ્યવહાર સાચવીશ, જરાય ઉણપ નહીં આવવા દઉં પણ મને જરાય અડવાનો કે છેડવાનો ઉપાય કરશો તો હું ભૂંડી બનીશ. દાબી દઈશ તો વાર નહીં લાગે. મારા હાથે તમારી ચુડીઓ છે તે દુનિયાના ન્યાયે. બાકી હું ને તમે ભાઈબહેન. મારી કાયા પર તમારો ઓછયો પડશે તોય નાહી નાખીશ, સમજ્યા ? સાંભળો, મેડીના આ બે ઓરડા, આ તમારો ને બાજુવાળો મારો. વાત બે વચ્ચે રહે તો ઠીક, ને ના રહે તોય મને કશી સાડીબારી નથી.’’ (એજન, પૃ- ૨૩૩-૨૩૪)

ફૂફાંડા મારતા યૌવનના લોહીએ એને નહોતી પજવી એવું પણ નહોતું. પણ કાયાની માયા સામે અડગ મનથી લડી લેતી આશા કાચી માટીની નથી. મનહરના બાપા રૂપિયા આલ્યાની વાત કરે છે ત્યારે આશા રોકડુ પરખાવી દે છે કે,- ‘‘રૂપિયા આલ્યા હોય એને જઈને કહો, મેં તો તમારા રૂપિયા લીધા નથી. ને હું તો તમારા ધરનું બધું કામ કરું છું. મારા કામમાં ભૂલ હોય તો તમારું ખાસડું ને મારું મોઢું.’’ આશાને સંતાનપ્રાપ્તિની બાબતમાં કોઈ સમજાવી શકતું નથી. અંતે એના સસરા આશાના પિતાને બોલાવે છે. આશા પિતાને જોઈને ભડકે બળે છે-
‘‘બા, કોણ બાપને કોણ દીકરી ? તમે કહી દો તમારા વેવાઈને કે એમની દીકરી તો પૈંણાઈ તે દા‘ડાની જ મરી ગઈ છે ... એય જાણુ છું કે તેમે કોના બોલાયેલા આયા છો ને શું વાત કહેવા આયા છો ... વાતો કરીને પટાવવા સિવાય આખો જન્મારો તમને બીજું આવડ્યું શું ? તમારી જીભ કેમની ઊપડે છે છોરીને કહેતા લાજતાય નથી ... જમીને ચાલ્યા જાવ, ફરીથી આ ધરનું આગણું ચઢયા તો મારા જેવી ભૂંડી - ’’ (એજન, પૃ- ૨૨૭)

એવું સંભળાવી દેતી આશાનો આક્રોશ દઝાડે એવો છે. બાપ, પતિ અને સાસરીથી થાકી અંતે ધર છોડતી આશાનું મૂલ્ય જરાય ઓછું આંકી શકાય એમ નથી. આમ, આ વાર્તામાં નારી પોતાના અસ્તિત્વ માટે વિદ્રોહ મૂલકસૂર અપનાવી ધરનો ત્યાગ પણ કરે છે. આશાનું પગલું એ સમાજ માટે નાનીસૂની વાત નથી. એટલે જ મણિલાલ હ. પટેલની ‘મગન સોમાની આશા’ નારીવાદની દ્રષ્ટિએ નોંધપાત્ર વાર્તા છે.

નારીવાદના ત્રીજા તબક્કામાં વિચારણા સ્ત્રીકેન્દ્રી બને છે. હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તામાં મોટાભાગની સ્ત્રીઓની પીડાને વાચા મળી છે. દીકરી તરીકે જે ધરમાં જન્મ લધો, મોટી થઈ એ જ ધર લગ્ન પછી એનું રહેતું નથી. સ્ત્રીની એ સંવેદનાને રજૂ કરાઈ છે. વાર્તાની નાયિકા બેંગલોરમાં પતિ સાથે રહે છે. લગ્નના પાંચ વર્ષ વિત્યા છતાં એક-બે વાર જ પિયર આવી છે. આ વખતે બા-બાપુ, ભાઈ-ભાભી ને બ્હેન સાથે નિરાંતે મહિનો રહેવા આવી છે. નાયિકા ઉત્સાહભેર આવી તો છે પણ અહીં આવીને જુએ છે તો ધર-ગોઠવણ-રસોડું અને એનો રૂમ સુધ્ધાં બદલાઈ ગયા છે. નથી બદલાયા માત્ર રસ્તા અને એની સંવેદના. બાનું શાક અને બાપુની ચા પણ તમને નહિ ફાવે બેન, એમને ‘મોળું’ જોઈએ છે. બગીચાની એની પેલી વ્હાલી માગરવેલ પણ સાપ આવે ‘તો’ના બહાને કાપી નખાઈ છે. એ બધા સાથે રહેવા આવી છે પણ એનો તો સમય જ જતો નથી કેમ કે બધા પોતપોતાના કામમાં જ વ્યસ્ત રહે છે. એની કાળજી લેવાય છે પણ નાયિકાને ખબર પડી જાય છે કે અહીં આ ધરમાં – હવે એને માટે જગા નથી. એ ધારતી હતી એવું કશું જ ‘અકબંધ’ રહ્યું નથી. એટલે એ પાછી જવાનું નક્કી કરે છે માત્ર દશ દાહડામાં. બા પણ કહે છે, ‘એને હવે અહીં શેનું ગમે, એનું ય ધર છે ને હવે તો-’ પણ બાને કોણ સમજાવે કે એતો તમારાં બધાની સાથે રહેવા આવી છે. નાયિકા મનોમન કહે છે-
‘‘ધર-ધર-ધર-હું તો ધર મૂકીને આવી હતી. સુબુંધ મારા વગર નિરાંતે જીવી શકે એટલો સ્વતંત્ર છે. રોજ રાત્રે મલ્હોત્રાને ત્યાં પાના રમવા જવું, દર પાંચમે-છઠ્ઠે દિવસે પાર્ટીમાં ઠઠારો કરવો ... એ તો બધુ છે જે મારે માટે. મારે તો તમારી જોડે થોડો ભૂતકાળ જીવી લેવો હતો. પેલી તાજગીથી છલોછળ કુંવારી છણોને હળવેથી સ્પર્શી લેવી હતી. એ આંબો, નાળિયેરી, મોગરવેલ, બા, પપ્પાજી, ભાઈ, અવની – સહુની જોડે તોફાન મસ્તીમાં વીતી ગયેલાં એ મઝાનાં વર્ષોમાંથી થોડુંક સાથે લઈ જવું હતું. અહીં તો એવું લાગે છે કે જાણે હું હતી જ નહિ. આ ધરમાં કોઈ દિવસમારા હોવાનું ટપકું તો સાવ જ ભૂંસાઈ ગયું છે. આ ધર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ. અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે. રડીરડીને રાતીચોળ એ આંખો, ધેરથી કાગળ ન આવ્યાની ચિંતા, ધેર દોડી જવાની ઇચ્છા, એ ખેંચાણ-તરફડાટ...’’ (હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ-પૃ. ૪૪-૪૫)

નાયિકા આમાનું કશું જ કોઈને કહી શકી નહી અને અંતે બેંગલોર જવા તૈયાર થઈ જાય છે. ને પેલી મોગરવેલની સુવાસ લઈ જવાનું પણ બનતું નથી કેમ કે માગરવેલ પાંગરી જ નહિને. આમ, આ વાર્તા સાસરેથી થોડા વખત માટે પિયર આવતી યુવતી માત્રની આ સંવેદના છે. આમ, અનુઆધુનિક ગુજરાતી વાર્તામાં નારીવાદનો પ્રભાવ પડ્યો છે એની નમુનારૂપ આ વાર્તાઓ છે. આવી બીજી વાર્તાઓને આધારે આ વાતને વધુ સ્પષ્ટતાથી સમજી શકાશે.

*************************************

સંદર્ભગ્રંથોઃ

૧. વીજળીવાળા શરીફા(સં.), શતરૂપા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ,૨૦૦૫.
૨. ગાડીત જયંત અને અન્ય લેખકો(સં.), અનુઆધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ, સરદાર પટેલ યુનિનર્સિટી વલ્લભવિદ્યાનગર,૧૯૯૯.
૩. પટેલ મણિલાલ હ.(સં.), પન્ના નાપકનો વાર્તાલોક, ડિવાઈન પબ્લિકેશન અમદાવાદ, ૨૦૧૦.
૪. ગૂર્જર જગદીશ અને અન્ય(સં.),અધીત બાવીસ-તેવીસ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ,૨૦૦૦.
૫. નારીવાદ વિશેષાંક, શબ્દસૃષ્ટિ, ૨૦૦૨.
૬. પટેલ મણિલાલ હ.(સં.), હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ, પાશ્ર્વ પબ્લિકેશન અમદાવાદ, ૨૦૦૫
૭. ધોળકિયા દર્શના(સં.), નારીની કથા પુરુષની લેખીની, હર્ષ પ્રકાશન અમદાવાદ, ૨૦૦૫.
૮. કંકાવટી, મે, ૨૦૦૦.

*************************************

પ્રા.જિગ્નેશ ઠક્કર
ગુજરાતી વિભાગ,એમ. એન. કૉલેજ વિસનગર.
મો.-૯૮૨૪૨ ૯૯૫૯૪